Charotar

ખેડા જિલ્લામાં ચાંદીપુરમના વધુ 3 કેસ નોંધાતા કુલ આંક 11 પર પહોંચ્યો, અત્યાર સુધી 2ના મોત


બિલોદરા, ભાનેર અને મિત્રાલમાં નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્રએ કામગીરી આરંભી
(પ્રતિનિધિ) નડિયાદ, તા.26
ખેડા જિલ્લાના 3 તાલુકાના ગામોમાં આજે વધુ 3 ચાંદીપુરમના શંકાસ્પદ કેસ નોંધાતા ચકચાર મચી છે. નડિયાદ, વસો અને કઠલાલ તાલુકામાં નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 11 પર પહોંચી છે અને અત્યાર સુધી 2ના મોતની પુષ્ટિ થઈ છે. આજે નવા કેસના પગલે સબંધિત વિસ્તારોમાં આરોગ્ય વિભાગે સર્વે સહિતની કામગીરી આરંભી છે.
મળતી માહિતી મુજબ આજે નડિયાદના બિલોદરા ગામમાં 6 વર્ષિય બાળક ચાંદીપુરમના ભરડામાં આવ્યુ છે, જે હાલ નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તો આ તરફ વસોના મિત્રાલમાં 3 વર્ષિય બાળકમાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. તે પણ હાલ નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો ત્રીજો કેસ કઠલાલના ભાનેર ગામમાં સામે આવ્યો છે, જ્યાં 3 વર્ષિય બાળકમાં ચાંદીપુરમના લક્ષણો જોવા મળ્યા છે અને તેને અમદાવાદની બી.જે.મેડીકલમાં સારવાર માટે ખસેડાયુ છે. ગઈકાલે 2 નવા કેસ બાદ આજે અચાનક 3 નવા કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. એક બાદ એક બાળકોમાં આ વાયરસના લક્ષણોના પગલે નાગરીકોમાં પણ ચિંતાની લાગણી પ્રસરી છે. આ તરફ અત્યાર સુધી ચાલુ સિઝનના ખેડા જિલ્લામાં કુલ 11 જેટલા શંકાસ્પદ ચાંદીપુરમના કેસ સરકારી ચોપડે નોંધાયા છે, તો ગળતેશ્વર અને મહેમદાવાદના 2 બાળકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. જેના કારણે હડકંપ મચી ગયો છે. આ તરફ નવા કેસોના પગલે સબંધિત ગામો અને વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લેવાની સાથે સર્વે પણ હાથ ધરાયો છે, ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મકાનોની તિરાડો પૂરવાની સાથે ગંદકી ન થાય તે માટે તકેદારીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top