જો કોઇ બિમાર પડે તો ઇમરજન્સી એમ્બયુલન્સ પણ ન આવી શકે તેવી બીજા દિવસે પણ સ્થિતિ..
વોટ માટે આવતા અને વિકાસના બણગાં ફૂંકતા સ્થાનિક ધારાસભ્ય કે વોર્ડ નં.5ના એકેય મ્યુનિ. કાઉન્સિલરો દેખાયા નથી..
આજવા સરોવરમાંથી પાણી છોડાય તો પૂર્વ વિસ્તારમાં પરિસ્થિતિ વિકટ બની શકે તેવી સ્થિતિ, વાઘોડિયાહાઇવે ઉંચાઈ પર હોઇ પાણીનો નિકાલ થઇ રહ્યો નથી
બુધવારે ખાબકેલા વરસાદને પગલે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઉમા ચારરસ્તા ઝવેરનગર, વૃંદાવન ચારરસ્તા, બાપોદ જકાતનાકા,સોમાતળાવ ડભોઇરોડ, સરદાર એસ્ટેટ, ખોડિયારનગર, મહાવીર હોલ ચારરસ્તા, ગધેડામાર્કેટ વિસ્તારમાં બીજા દિવસે પણ વરસાદી પાણી અનેક સોસાયટીમાં તથા રોડપરથી ઓસર્યા નથી. તંત્રની પ્રિમોન્સુનની કામગીરી સદંતર નિષ્ફળ રહી હોય તેવા દ્રશ્યો. લોકો પરેશાન છે ત્યારે ચૂંટણી સમયે હાથ જોડીને વોટ માંગવા આવતા નેતાઓ અને ચૂંટાયેલા વોર્ડ નં.5ના એકેય કાઉન્સિલરો પૂર્વ વિસ્તારમાં પોતાના વોર્ડમાં દેખાયા નથી. આ કાઉન્સિલરો આડે દિવસે સોસાયટીમાં આવીને પોતાની સરકાર અને પક્ષના વિકાસના બણગાં ફૂંકીને જનતાને ગુમરાહ કરે છે પરંતુ જરૂર સમયે જ જનતાની તકલીફ સમયે જ ગાયબ થઇ જાય છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ હજી પાણીમાં ગરકાવ, લોકોના ઘરોમાં પાણી છે, ડ્રેનેજની લાઇનો પણ ચોક અપ થઇ જતા લોકોને વોશરુમ જવા માટે પણ ભારે હાલાકી પડી છે. શહેરમાં જો કોઇ મોટો નેતા આવી જાય ત્યારે રાતોરાત બધી વ્યવસ્થા કરી દેતું તંત્ર અને રાજકારણીઓને વેરો ભરતી જનતા અને વોટ આપતી જનતાની કોઈ ફિકર જ જાણે ન હોય તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે.