સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન થઈ..
અવારનવાર વડોદરા શહેરના રસ્તાઓ ઉપર તંત્રની બેદરકારીએ ભુવાઓ પડતાં હોય છે. પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના ભ્રષ્ટાચારને લીધે શહેરના કારેલીબાગ વિસ્તારમાં વીઆઈપી રોડ પર વુડા સર્કલ પાસે વર્ષ 2024 નો સૌથી મોટો ભુવો જોવા મળ્યો હતો. અને આટલો મોટો વિશાળકાય ભુવો કદાચ તમે કોઈ દિવસ જોયો નહી હોય.
ગતરોજ વડોદરામાં ખાબકેલ 13 ઇંચ વરસાદે શહેરના વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર ની પરિસ્થિતિ લાવી દીધી હતી. દિવસ દરમિયાન વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિ ન હતી પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ ઊભી થઈ હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ પ્રિમોન્સૂન કામગીરીના પોકળ દાવાઓ ખોટા પડ્યા હતા.
ગતરોજ મોડી સાંજે અચાનક જ વુડા સર્કલ પાસે મહાકાય ભુવો પડતાં આજુબાજુ માંથી પસાર થતાં રાહદારીઓ અને નાગરિકો અચંબિત થઈ ગયા હતા. સદનસીબે જ્યારે આટલા વિશાળકાય ભુવાએ જન્મ લીધો તે સમયે કોઈ નાગરિક કે વાહન તેની આસપાસ ન હતું જે કારણે કોઈ ઘટના બનવા ન પામી હતી.
સામાજિક કાર્યકર કમલેશ પરમાર આ ભુવા વિશે તાત્કાલિક તંત્રને જાણ કરી હતી અને નાગરિકોને એકત્ર કરી ભુવાની આજુબાજુમાં બેરીકેટિંગ કર્યું હતું જેથી ભુવાને કારણે કોઈ અન્ય અકસ્માત ન થાય. પરંતુ સવાલ તો હજી પણ ઊભા જ છે કે કયા કારણોસર આટલો મોટો ભુવો પડ્યો હતો. ભુવા પડવાનું સૌથી મોટું કારણ તો એ છે કે જો કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા વાળું કામ કરવામાં આવતું નથી અને તેમાંય કોર્પોરેશનના અધિકારીઓ પોતાની બેદરકારી દાખવે છે.