શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાને કારણે એક માત્ર પેટ્રોલપંપ પર સવારથી લાંબી કતારો, દૂધ ડેરી પર દૂધ ન મળતા લોકો અટવાયા.
એકમાત્ર મહેતા પેટ્રોલપંપ વૃંદાવન ચારરસ્તા પાસે ચાલુ હોય વાહનોની કતારો..સરદાર એસ્ટેટ સહિતના પેટ્રોલપંપ બંધ…
બુધવારે પડેલા વરસાદ બાદ બીજા દિવસે પણ પાણી ઓસર્યા નથી, હજી પણ પૂર્વ વિસ્તારમાં સોસાયટીઓ, રોડપર પાણી ભરાયેલા જોવા મળ્યા છે
વડોદરામાં બુધવારે સવારથી વરસેલા 9 ઇંચ વરસાદમાં શહેર જળબંબાકાર
વડોદરા શહેરમાં બુધવારે વરસેલા ભારે વરસાદને પગલે આઠ કલાકમાં નવ ઇંચ જેટલો વરસાદ ખબકતા શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. બુધવારે વરસેલા વરસાદના પગલે હજી પણ પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ, સરદાર એસ્ટેટ, સોમા તળાવ, વૃંદાવન ચારરસ્તા ,ઝવેરનગર ની આસપાસના સોસાયટીમાં પાણી ન ઓસરતા હજી પણ લોકો પાણીમાં ફસાયેલા જોવા મળી રહ્યાં છે. શહેરના પૂર્ણ વિસ્તારમાં આવેલા બાપોદ જકાતનાકા સ્થિત જય અંબેનગર, પુષ્ટિપ્રભા સોસાયટી, હિરાબાનગર સોસાયટી, સોનપુર, રંગવાટિકા, સતાધાર સોસાયટી, ઝવેરનગર પાસે પ્રભુનગર, સરસ્વતી સોસાયટી,, સરદાર એસ્ટેટ, સોમાતળાવ થી ડભોઇરોડ તરફ ભરાયેલા વરસાદી પાણી ઓસર્યા નથી જેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. ખાસ કરીને નાના બાળકો માટે દૂધની ડેરી તથા દૂધ સેંટરો પર દૂધ ન મળતા લોકો પરેશાન થયા છે તો બીજી તરફ શહેરના સોમાતળાવ થી વૃંદાવન ચારરસ્તા અને સરદાર એસ્ટેટ તરફના રિલાયન્સ, ભારત પેટ્રોલિયમ, એસ્સાર પેટ્રોલપંપ પાણી ભરાઈ જતાં બુધવારથી બંધ થઇ ગયા હતા એક માત્ર શહેરના વૃંદાવન ચારરસ્તા નજીકના મહેતા પેટ્રોલ પંપ ચાલુ હોઇ વહેલી સવારથી લોકોની પેટ્રોલ લેવા માટે કતારો જોવા મળી હતી. આખરે આ પેટ્રોલપંપ પર પણ મર્યાદિત પેટ્રોલ હોય લોકોની ભારે ભીડ જોવા મળી હતી.