સદનસીબે કોઈ હાજર નહિ હોવાથી જાનહાનિ થતા ટળી, ઓફિસ બહાર લાગેલું સાઈન બોર્ડ તૂટ્યું..
વડોદરામાં છેલ્લા બે દિવસથી ધીમે ધીમે હવે વરસાદી માહોલ જામી રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક વૃક્ષ તૂટી પડવાના બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં બુધવારે સવારે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની ઓફિસ બહાર આવેલું લીમડાનું વૃક્ષ તૂટી પડ્યું હતું. સબ નસીબે આ ઘટના દરમિયાન કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ થતા ટળી હતી જ્યારે તબીબોમાં ગભરાટ ફેલાયો હતો.
ઉત્તર અને મધ્ય ગુજરાતથી વરુણદેવ રિસાયા હોય તેમ નગરજનોને લાગી રહ્યું હતું. ઘણા દિવસોથી વડોદરામાં વરસાદે વિરામ લીધો હતો.જેના કારણે લોકો આકરી ગરમીમાં મુશ્કેલીમાં મુકાયા હતા. બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જ્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદને લઈને વિવિધ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત રાજ્ય ઉપર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે. જેને કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે.ત્યારે બુધવારે મધ રાત્રેથી મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ત્યારે, શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે તેવામાં બુધવારે સવારે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ઓફિસના મુખ્ય પ્રવેશદ્વાર બહાર લીમડાનું મોટું વૃક્ષ કડડભૂસ થયું હતું. જેના કારણે હાજર તબીબી આલમમાં ગભરાટ ફેલાઈ હતી. જોકે સદ નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.