સામાજિક કાર્યકર દ્વારા કલેકટરને રજૂઆત
તાજેતરમાં વાઘોડિયારોડ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે દિવાલ તૂટવાની ઘટનામાં શાળા સંચાલક સામે ફરિયાદ દાખલ કરવા તથા સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ આપનાર સંસ્થાની ઓફીસ સીલ કરી તેઓ સામે કાયદેસરના પગલાં લેવા સામાજિક કાર્યકર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી છે.
તાજેતરમાં શહેરના વાઘોડિયા રોડના નારાયણ વિધ્યાલય ખાતે બપોરે જ્યારે બાળકોના લંચનો સમય હતો તે દરમિયાન એકાએક એક સાઇડની દિવાલ ધરાશાયી થતાં બેન્ચિસ, ચાર સાયકલો પર કાટમાળ પડ્યો હતો સાથે જ બાળકને વતી ઓછી ઇજાઓ થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ઘટનાના થોડાક દિવસો પહેલા જ ઇમારતનો સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં બધું બરાબર હોવાનું જણાવાયું હતું ત્યારે આ મામલે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા આજરોજ વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેઓના જણાવ્યા મુજબ આ શાળાની દિવાલમાં તિરાડો અગાઉથી હતી. પરંતુ શાળા સંચાલક અને ભાગીદારો વચ્ચે સહમતીના અભાવે રિપેરિંગ કરાવવામાં આવ્યું ન હતું . સાથે જ આ સ્કુલના સ્ટ્રક્ચર સ્ટેબિલીટી માટેનો રિપોર્ટ શું એ.સી.કેબિનેટમાં કે પછી નાણાં લઇ ને આપી દેવામાં આવ્યો હતો? આ સ્ટ્રક્ચર સ્ટેબિલીટી આપનાર સંસ્થાની ઓફીસ તાત્કાલિક સીલ કરી તેઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે સાથે જ શાળા સંચાલકો સામે તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી.