ખંભાતના ભુવેલ ગામે ગૌચર જમીન પાણી પુરવઠા વિભાગને ફાળવી દેતાં રહીશોમાં આક્રોશ
ભુવેલના ગ્રામજનોએ વિરોધ નોંધાવવા પ્રાંત કચેરી, મામલતદાર, તાલુકા પંચાયત કચેરીએ આવેદનપત્ર આપ્યું
(પ્રતિનિધિ) આણંદ તા 20
ખંભાતના ભૂવેલ ગામે ગૌચરની જમીન પાણી પુરવઠા વિભાગને ફાળવી દેતાં પૂર્વ સરપંચ સહિત સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે.જે બાબતે કરેલ ઠરાવને રદ કરવાની માંગણી સાથે તાલુકા પંચાયત કચેરીએ, મામલતદાર કચેરીએ અને પ્રાંત કચેરીએ અધિકારીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
આ અંગે અજીતભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે,તલાટી કમ મંત્રી તથા સરપંચ ભુવેલ ગ્રામપંચાયત દ્વારા ગૌચર જમીનમાંથી બિન અધિકૃત રીતે મનસ્વી નિર્ણય લઈને ખોટો ઠરાવ કરેલ છે. સામાન્ય સભામાં પંચાયત સભ્યની જાણ બહાર જગ્યા ફાળવી દેવામાં આવી છે.જ્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા બાંધકામ કરવામાં શરૂ કરતાં સ્થાનિક લોકો ખબર પડી એટલે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
ભુવેલ ગ્રામ પંચાયતના વર્તમાન સત્તાધીશો એ ગૌચર જમીન કલેકટર કે મામલતદાર કચેરી ખાતે પુર્વ મંજુરી મેળવ્યા વિના મનફાવે તેમ દરેક સભ્યોને અંધારામાં રાખી ખોટો ઠરાવો પસાર કરેલ છે. જેથી ભારે આક્રોશ વ્યાપ્યો છે. ભુવેલ ગામના વિસ્તારોના લોકો તથા સભ્યોએ ઉગ્ર વિરોધ સાથે રજૂઆત કરી છે કે, તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયત ભુવેલ દ્વારા પાણી પુરવઠા બોર્ડને આપવા આવેલ જગ્યાનો ઠરાવ રદ કરવો જોઈએ.