Vadodara

સુખી ડેમ કુલ ક્ષમતાના 45.49 ટકા ભરાયો

છોટાઉદેપુર જિલ્લાનો સૌથી વિશાળ સંગ્રહ ક્ષમતા ધરાવતો સુખી સિંચાઈ ડેમ અડધો ભરાયેલો છે. વરસાદની સિઝન ની શરૂઆત થઈ ત્યારથી લઇ અત્યાર સુધી લગભગ સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો છે. ડેમ સરોવરમાં વરસાદને લીધે રન ઓફ વોટરથી નગણ્ય ઇન ફલો થતાં ડેમ જળ સપાટી માં કોઈ નોંધપાત્ર વધારો પણ નોંધાયો નથી. આજે ડેમની જળ સપાટી 143.08 મીટર નોંધાઈ છે. ડેમની કુલ ક્ષમતા કરતા 45.49% પાણી હાલ ભરાયેલું છે.
ચાલુ વરસાદની સિઝનમાં સુખી ડેમ સાઈટ રેન ગેજ સ્ટેશન પર 186 મીમી વરસાદ નોંધાયો છે. ડેમ સરોવરમાં ઇન ફ્લો અને આઉટ ફ્લો શુન્ય છે. સરોવરનું લાઇવ સ્ટોરેજ 69.919 એમસીએમ જ્યારે ગ્રોસ સ્ટોરેજ 78.712 એમસીએમ નોંધાયુ છે. ડેમ નું ફુલ રિઝરવોયર લેવલ 147.82 મી.છે. જે હજુ પોણા પાંચ મીટર જેટલું દૂર છે. પાવીજેતપુર, બોડેલી, જાંબુઘોડા તાલુકામા સિંચાઈ માટે આ યોજના ઉપકારક છે. શિયાળો અને ઉનાળો પૂરો થયા પછી પણ સુખી ડેમ લગભગ અડધો ભરેલો રહ્યો છે. હવે નહેરના લાઇનિંગ સહિત નવીનીકરણના કામો શરૂ થયા હોય પાણી છોડી શકાય તેમ નથી. સુખી ડેમ આ વિસ્તારના ખેતીના કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી ગણાય છે. નર્મદા યોજના ની આનુસાંગિક યોજના છે. નર્મદા યોજના બનાવાઇ ત્યારે તેની સાથે બીજી ચાર પેટા યોજનાઓ કે જે વિસ્તારમાં નર્મદા ના પાણી મળી શકવાના નહતા તે વિસ્તાર નક્કી કરી પૂરક અને આનુસાંગિક 4 યોજનાઓ અમલમાં મુકાઇ હતી.સુખી યોજના તે 4 યોજના પૈકીની એક છે.
સુખી ડેમનો સવા ચાર કિલોમીટર લાંબો માટીનો પાળો જેતપુર પાવીના ડુંગર વાંટ સહિતના વિસ્તારમાં ડુંગરાઓ વચ્ચે મોટુ જળ સરોવર સર્જે છે. જે અહીંની કુદરતી સંપદાની ખૂબસૂરતીને ચાર ચાંદ તો લગાડે છે. સાથે દાયકાઓ થી કમાંડ વિસ્તારના ખેડૂતોને સિંચાઈના પાણી પણ પહોંચાડે છે.

Most Popular

To Top