Vadodara

પ્રેમ પ્રકરણની શંકામાં પતિએ ‌પત્નીને માથામાં લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી,

ડેસર તાલુકાના નાનકડા મોકમપુરા ગામમાં ખુની ખેલ ખેલાયો,


ડેસર તાલુકાના મોકમપુરા માં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ પત્નીની લાકડીના ફટકા મારીને હત્યા કરી પોલીસ સમક્ષ આકસ્મિક મોતની વાર્તા ઘડી કાઢી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પતિએ પોલીસ સમક્ષ ઘડી કાઢેલી વાર્તાનો ભાંડાફોડ થઈ ગયો હતો.પતિએ કોઈપણ જાતનો વિચાર કર્યા વગર પત્નીની હત્યા કરી નાખતા તેમના બે સંતાનો અનાથ બની ગયા છે, કારણ કે, માતા હવે આ દુનિયામાં રહી નથી અને પિતા હવે જેલમાં ધકેલાશે.


હત્યા કર્યા બાદ ધર્મેન્દ્રસિંહ રાઠોડે પત્નીના આકસ્મિક મૃત્યુની વાર્તા ઘડી કાઢી જણાવ્યું હતું કે બે દિવસ પહેલા હું નોકરી પર જવા નિકળતો હતો તે વખતે મારો છોકરો રડતો હતો, મારી પત્ની તેને મારતી હતી, મે તેને કહ્યું હતું કે, તું છોકરાને કેમ મારે છે તો તે મારી સાથે જેમ-તેમ બોલવા લાગી હતી, જેથી મે ઘરમાં પડેલા લાકડાની બે-ચાર ઝાપટ તેના બન્ને પગની સાથળ પર મારી દીધી હતી અને હું નોકરી પર જતો રહ્યો હતો, જ્યારે બીજા દિવસે ઘરે આવ્યો ત્યારે અમો બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું
ત્યારબાદ 17 જુલાઈના રોજ હું સવારે 9 વાગે નોકરી પર હતો, તે વખતે મારી પત્ની હંસાનો મારા પર ફોન આવ્યો હતો અને મને કહ્યું હતું કે, મને ગભરામણ થાય છે, તો તમે લોટ અને તેલ લઈને જલ્દી આવો, ત્યારબાદ હું બપોરે બે વાગે નોકરી પરથી ઘરે આવ્યો હતો અને ખાટલામાં સુઈ ગયો હતો. તો મારી પત્ની હંસા મારી પાસે આવી હતી અને કહેવા લાગી હતી કે, મને ચક્કર આવે છે, જેથી મે તેને લીંબુ સરબત બનાવી આપ્યું હતું. અને તે મને કહેવા લાગી હતી કે, મને દવાખાને લઈ જાવ, જેથી હું મારી રીક્ષા મારા ઘરથી થોડે દુર પડી હોવાથી હું લેવા ગયો હતો અને રીક્ષા લઈને ઘરે આવ્યો હતો. આ સમયે મારી પત્ની બેભાન અવસ્થામાં પડી હતી અને કંઈ બોલતી નહોતી, મે બુમાબુમ કરતા અમારા પડોશીઓ આવી ગયા હતા. આ સમયે જ મારી પત્નીનું મોત થયું હતું, પોલીસે પણ શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી પરંતુ મૃતક હંસાબેનના પિયરીયાઓને શંકા હોવાથી મૃતદેહનો પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું રિપોર્ટમાં પતિએ પોલીસ સમક્ષ ઘડી કાઢેલી વાર્તાનો ભાંડાફોડ થઈ ગયો હતો અને પોલીસ પૂછપરછમાં પોતે પત્નીની હત્યા કરી હોવાની કબુલત કરી નાખી હતી.

કાલોલ તાલુકાના ગોકળપુરા માં રહેતા મોતને ભેટનાર હંસાબેન ના ભાઈ નગીનભાઇ પરમારે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારી ત્રણ બહેનો પૈકી સૌથી નાની હંસા (ઉ.૨૫) ના લગ્ન વર્ષ 2019માં ડેસર ના મોકમપુરા મા રહેતા ધર્મેન્દ્રસિંહ રાઠોડ સાથે થયા હતા જેમાં તેઓને સંતાનમાં ચાર વર્ષની દીકરી દિવ્યા અને ત્રણ વર્ષનો દીકરો સિધ્ધરાજ છે. 17 જુલાઇના રોજ મારા ઉપર મારા કાકા ભરત પરમાર નો ફોન આવ્યો મને કહ્યું હતું કે, મોકમપુરાથી ધર્મેન્દ્રસિંહ નો મારા ઉપર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારી બહેન ને ચક્કર આવવાથી પડી જતા સ્થળ પર જ મૃત્યુ થયું છે. વાત સાંભળીને તાત્કાલિક કંપનીમાંથી અમારા ઘરે જઇ મારા બંને કાકા દાદા બહેન બનેવી અને પિતરાઈ ભાઈ સાથે મોકમપુરા પહોંચ્યા હતા ત્યાં મારા બહેન હંસાનો મૃતદેહ ઘરની ઓશરીમાં હતો માથામાં, હાથ-પગ અને પીઠના ભાગે માર મારેલાના નિશાન દેખાતા હતા. પરંતુ શરીરના કોઇ પણ ભાગેથી લોહી નિકળેલુ નહોતું તેઓના શરીરે મુઢ માર મારેલાની ઇજા થયેલી હોવાનું દેખાતુ હતુ. ઉકત બાબતે મારા બનેવી ધર્મેન્દ્રસિંહને પુછતા જણાવ્યું હતું કે તેને ગભરામણ અને ચક્કર આવવાને કારણે પડી જવાથી ઇજાઓ થઇ છે, તેવી ગોળ ગોળ હકિકત જણાવી ને વાત ઉપર પડદો નાખવાની કોશિશ કરતા હતા
પરંતુ અઠવાડીયા પહેલા મારા બનેવી એ મને કહ્યું હતું કે, ‘તમારી બહેન હંસાને અન્ય કોઇ સાથે પ્રેમ સબંધ છે તેના કારણે અમારે બન્ને વચ્ચે વારંવાર ઝગડાઓ થાય છે’, અને પોસ્ટ મોર્ટમ કરતા હંસા ને માથા અને ફેફસામાં ગંભીર ઈજા થવાને કારણે મોત થયેલાનું જણાવ્યું હતું, જેથી અમે ફરીથી બહેનના શરીર પર થયેલી ઇજાઓ બાબતે પુછતા જણાવ્યું હતું કે, અમારે બન્નેને કાલે બપોરના સમયે તેના પ્રેમ સંબંધ બાબતે બોલાચાલી થતા મેં તેને બરડા, હાથ-પગ અને માથામાં લાકડીથી માર માર્યો હતો અને તે સમયે તેને ચક્કર આવતા તે નીચે જમીન ઉપર પડી ગઈ હતી અને ત્યાં જ તેનું મોત થયું હતું. મારી બહેન હંસાના અન્ય કોઇ સાથેના પ્રેમ સબંધના શકના આધારે ધર્મેન્દ્રસિંહ રાઠોડે મારી બહેનની હત્યા કરી હતી‌
ડેસર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

Most Popular

To Top