Vadodara

વડોદરા:પાલિકા ખાતે ગુરુવારે આરોગ્ય સમિતિની બેઠક પાણીજન્ય, મચ્છરજન્ય, વાહકજન્ય અને ચાંદીપુરા જેવા રોગચાળાના સંદર્ભમાં યોજાઇ

બેઠકમાં અધ્યક્ષ દ્વારા શંકાસ્પદ ચાંદીપુરા રોગના એકપણ બાળ દર્દી વડોદરામાંથી નથી તેવો દાવો કરાયો પરંતુ બીજી તરફ ગોત્રી વિસ્તારની ચાર વર્ષીય બાળકી શંકાસ્પદ ચાંદીપુરા ના શંકાસ્પદ લક્ષણો સાથે એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડાઇ છે.

શહેરમાં એક તરફ ઝાડા ઉલટી કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગચાળાએ માથું ઉંચક્યુ છે. ઠેરઠેર લોકો પાણીજન્ય, મચ્છરજન્ય, વાહકજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યાં છે. દૂષિત પાણી, ડ્રેનેજ લાઇનોમાંથી લિકેજ, સ્વચ્છતાનો અભાવ આ અનેક કારણોથી રોગચાળો વકર્યો છે સાથે સાથે 14વર્ષથી નીચેના બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે ત્યારે જે કામગીરી પાલિકા તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે ચોમાસાની ઋતુમાં પ્રિમોન્સુનની કામગીરી સમયે જ તૈયારીઓ કરાવવી જોઈએ તેની જગ્યાએ પાલિકા તંત્રનું આરોગ્ય વિભાગ મોડે મોડેથી જાગ્રત થયું હોય તેમ ગુરુવારે સાંજે પાલિકા કચેરી ખાતે આરોગ્ય સમિતિની બેઠક યોજાઇ હતી. આરોગ્ય શાખાના અધ્યક્ષ રીટાબેન આચાર્ય ની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચોમાસાની ઋતુમાં પાણીજન્ય, વાહકજન્ય, મચ્છરજન્ય રોગચાળાના અંકુશ માટે તથા દર્દીઓની સારવાર બાબતે સમીક્ષા ચર્ચા કરવામાં આવી હતી સાથે જ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં અધ્યક્ષ રીટાબેન આચાર્યે જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં નથી માટે કોઇપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી હા કેટલાક કાચા મકાનોમાં રહેતા લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવશે સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા પણ તકેદારી લેવાશે. બીજી તરફ વડોદરાના ગોત્રી વિસ્તારની જ એક ચાર વર્ષીય બાળકીને શંકાસ્પદ ચાંદીપુરા ના લક્ષણો સાથે સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જેને પીઆઇસીયુ માં સારવાર અર્થે ખસેડવામાં આવી છે પરંતુ આરોગ્ય શાખાના અધ્યક્ષ રીટાબેન આચાર્ય આ બાબતે અજાણ હોવાનું જણાય છે સાથે જ તેમણે લોકોને વડોદરા અને વડોદરા જિલ્લામાં આવો શંકાસ્પદ કેસ નથી તેમ જણાવ્યું હતું અને શહેરવાસીઓને ચિંતા કરવાની જરૂર નથી તેમ કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાલ, મહિસાગર જિલ્લા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસ બાદ હવે શહેરમાં પણ પ્રવેશ કર્યો છે.

એક તરફ ગતરોજના એસ.એસ.જી.હોસ્પિટલ ના રિપોર્ટ અનુસાર
એસ.એસ.જી.હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ ધરાવતા કુલ 09 બાળકો પૈકી પાંચ બાળકોના મોત થયા છે જેમાં એક ચાંદીપુરા વાયરસથી બાકીના રિપોર્ટ હજી બાકી છે.

1.વિષ્ણુ વાઘેલા (ઉ.વ.6), મણીપુરા ગામ, ટેકરા ફળિયું, સાવલી. તા.1-7-2024 ના રોજ મૃત્યુ -ચાંદીપુરા વાયરસને કારણે

2.દેવરાજ કે. પઢિયાર (ઉ.વ.6) રહે.ગોહિલ ફળિયું, હાલોલ મૃત્યુ તા.14-07-2024 રિપોર્ટ બાકી

3.હર્ષદ સી.બારીયા (ઉ.વ.3વર્ષ) રહે.દેવગઢ બારીઆ, દાહોદ મૃત્યુ તા.16-07-2024 રિપોર્ટ બાકી

4.સચિન બારીયા (ઉ.વ.1વર્ષ) રહે.મોરવા હડફ, પંચમહાલ મૃત્યુ તા.17-07-2024 રિપોર્ટ બાકી

5.દેવાંશી પી.બારીયા (ઉ.વ.4)રહે. બારીઆ ફળિયું, ગોધરા પંચમહાલ મૃત્યુ તા.17-07-2024 રિપોર્ટ બાકી

જ્યારે અન્ય બાળકો સારવાર હેઠળ છે જેમાં બે બાળકોના રિપોર્ટ નેગેટિવ જણાયા છે. અન્ય રિપોર્ટ આવવાના બાકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટિસના શંકાસ્પદ 33કેસ નોંધાયા છે જેમાં અત્યાર સુધીમાં 16 જેટલા બાળકોના મૃત્યુ થયા છે. વકરેલા શંકાસ્પદ ચાંદીપુરા રોગ વિશે સરકારે પણ ગંભીરતાથી નોંધ લ ઇ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી અને તેના પગલે વડોદરા જિલ્લા કલેક્ટરે પણ આરોગ્ય અધિકારીઓ સાથે તાકીદની બેઠકમાં તમામ તૈયારીઓ અને તકેદારી બાબતની સમીક્ષા કરી જરૂરી નિર્દેશો આપ્યા છે.
અમદાવાદ સહિત અન્ય ગ્રામ્યમા જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા ચાંદીપુરા ને લઇ શાળાઓને સાવચેત રહેવા સૂચના અપાઇ છે ત્યારે મોડેમોડે વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આજે સવારે તમામ શાળાઓને તકેદારી માટે સૂચના અપાઇ
છે તેમ એજ્યુકેશન ઇન્સપેક્ટર મહેશ પાંડે દ્વારા જણાવવામાં આવ્યું છે.

Most Popular

To Top