Vadodara

વડોદરા : MSU સરસ્વતી ધામ કે રાજકીય અખાડો, ABVP-NSUI વચ્ચે છૂટા હાથની મારામારી

પોલિટેક્નિક કોલેજના ડીનની ઓફિસમાં તોડફોડ,ઘર્ષણમાં પોલીસ કર્મી સહિત 2ને ઈજા :

કોલેજના ડીન ( પ્રિન્સિપાલ ) પર ABVPના વિદ્યાર્થીઓનો બંગડી ફેંકી વિરોધ : 200 ના ટોળાં સામે રાયોટિંગનો કેસ કરનાર VC ફરિયાદ કરશે ?

( પ્રતિનિધિ ) વડોદરા,તા.18

એમએસયુમાં ફરી વિવાદ સામે આવ્યો છે. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પોલિટેક્નિક કોલેજ ખાતે બે વિદ્યાર્થી જૂથ NSUI-ABVP સામ સામે આવી જતા કોલેજના ડીન પ્રિન્સિપાલની ઓફિસમાં તોડ ફોડ થઈ હતી. આ સમગ્ર વિવાદમાં છુટા હાથની મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા. જ્યારે એક વિદ્યાર્થી અને એક પોલીસ કર્મચારીને પણ ઈજા પહોંચી હતી. બીજી તરફ એબીવીપીના વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ ડીન ડો.ધનેશ પટેલ પર બંગડીઓ ફેંકી હતી. ત્યારે હવે આ મામલે માત્ર 2 હજારના નુકસાન સામે 200 વિદ્યાર્થીના ટોળાં સામે રાયોટિંગનો ગુનો દાખલ કરાવનાર વીસી શું પગલાં લેશે તેવી યુનિવર્સીટી આલમમાં ચર્ચાઓ વહેતી થઈ હતી.

વિશ્વ વિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી જેને સરસ્વતી ધામ કહેવામાં આવે છે. પરંતુ હાલ આ યુનિવર્સીટી પણ હવે બાકી રહી નથી. જેમાં પણ હવે રાજકારણ ઘર કરી ગયું છે. જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દી બનાવવા પ્રત્યન કરતા હોય છે. પણ હવે વિવિધ સંગઠનો તેમના આકાઓના આદેશથી દર વર્ષે યુનિવર્સીટીમાં આવતા નવા વિદ્યાર્થીઓને પોતાના ગ્રુપમાં જોડાવા અને આકર્ષવા માટે અવનવા પેતરા અજમાવતા હોય છે. પરંતુ હવે પહેલા જેવું રહ્યું નથી. સબ ભૂમિ ગોપાલ કી હોય તેમ ખાસ સંગઠનો પોતાના બળનો પ્રયોગ કરી રહ્યા છે. ત્યારે ગુરુવારે પોલિટેક્નિક કોલેજમાં સામાન્ય બાબતે વિદ્યાર્થી સંગઠન NSUI-ABVP આમને સામને આવી જતા મામલો ગરમાયો હતો. પોલિટેક્નિક કોલેજમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ અંદરો અંદર કોઈ બાબતે ઝઘડ્યા હતા. ત્યાંથી NSUIના વિદ્યાર્થીઓ નીકળી ગયા હતા. પણ પ્રથમ ચૌહાણ નામના એક વિદ્યાર્થીને એબીવીપીના કેટલાક વિદ્યાર્થી અગ્રણીઓએ દબોચ્યો હતો. અને જ્યાં સુધી એનએસયુઆઈના વિદ્યાર્થીઓ નહિ આવે ત્યાં સુધી અમે તને નહિ છોડીએ તેવી ધમકી આપી હતી. આટલેથી અટકે તેમ ન હોય આ વિદ્યાર્થીને છોડાવવા માટે એનેસયુઆઈ પ્રમુખ અમર વાઘેલા સહિત કાર્યકરો પોલિટેક્નિક કોલેજ પહોંચ્યા હતા. જ્યાં પૂરો ઝમેલો ડીન ઓફિસમાં હોય એબીવીપી અને એનેસયુઆઈ આમને સામને આવી ગયા હતા. ગંદા શબ્દોનો મારો એકબીજા પર ચલાવ્યા બાદ છુટા હાથની મારામારી થઈ હતી. જેમાં તેજસ નામના એક વિદ્યાર્થીને એબીવીપીના વિદ્યાર્થીઓએ ધક્કો મારતા તે દરવાજાના કાંચ પર જોરદાર અથડાયો હતો. જે ઘર્ષણમાં કાંચ તેના હાથમાં વાગતા ચીરો પડતા જ લોહી નીકળ્યું હતું. જેને સારવાર માટે તાત્કાલિક એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારે પોલિટેક્નિક કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચેના ઘર્ષણને લઈ ચાર પોલીસ મથકોની પોલીસ આવી પહોંચતા કોલેજ કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.

એસએસજી હોસ્પિટલમાં NSUI પ્રમુખને ABVPના કાર્યકરોએ ધીબેડી નાખ્યો :

પોલિટેક્નિક કોલેજ ખાતે એબીવીપી અને એનેસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણમાં એનએસયુઆઈના વિદ્યાર્થીને હાથમાં ઈજા થતા એસએસજી હોસ્પિટલ લઈ જવાયો હતો. જેની સાથે પ્રમુખ અમર વાઘેલા સહિતના વિદ્યાર્થીઓ હાજર હતા. આ દરમિયાન એબીવીપીના અગ્રણી અક્ષય રબારી પોતાના કાર્યકરો સાથે એસએસજી હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાને બાનમાં લઈ બરાબરનો ટપલી દાવ કરી ધીબેડી નાખ્યો હતો. આ દરમિયાન રાવપુરા પોલીસ મથકના પો.કર્મચારી નટુભાઈએ બંને જૂથોને વિખેરી મામલો થાળે પાડ્યો હતો. જ્યારે ટપલી દાવ બાદ NSUI પ્રમુખ અમર વાઘેલાએ પ્રાથમિક સારવાર કરાવી હતી.

એબીવીપીની કોલેજના ડીનને એફઆરઆઈ દાખલ કરવા રજૂઆત :

બે વિદ્યાર્થી જૂથ એબીવીપી અને એનેસયુઆઈ વચ્ચે થયેલી છુટા હાથની મારામારી બાદ એબીવીપીના અક્ષય રબારી સહિતના વિદ્યાર્થીઓએ ડીન પ્રિન્સિપાલ ડો.ધનેશ પટેલને ઘેર્યા હતા. અને ગુંડા તત્વો જે કેમ્પસમાં અને માત્ર પોલિટેક્નિકમાં જ કેમ આવી રહ્યા છે તેવા સવાલો કરી તેવા તત્વો સામે FRI કરવાની માંગણી કરી હતી. તેમજ 10 મિનિટમાં એફઆઈઆર નહિ કરો તો બંગડીઓ પહેરાવીશુંની ચીમકી આપી હતી. જેમાં પણ એબીવીપીના વિદ્યાર્થીઓ ખરા ઉતર્યા હતા. ડીન પર બંગડીઓ ફેંકી હતી. અને એક વિદ્યાર્થીને ન શોભે તેવા પોતાના ગુરુ સમાન ડીન સામે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો.

જે વિદ્યાર્થીઓ સંડોવાયેલા હશે તેમની સામે કડક પગલાં લેવાશે :

જે છોકરાને માર્યો તે મારી પાસે આવ્યો હતો. પછી એને જેના દ્વારા થયું. એના મા બાપને પણ અમે ફોન કર્યો, પણ એમણે કંઈ ફોન રિસીવ કર્યો નહીં. જે હોય તે અને ત્યાર પછી લોકો મારી પાસે પાછા આવ્યા હતા અને પછી આ રૂમની અંદર એમની માંગ હતી કે, એમની ઉપર એફઆઇઆર થાય અને એ બાબતે અમે ઉપર વાત કરીને આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ. મારા મારી નથી થઈ, બે ગ્રુપ વચ્ચે સંઘર્ષ હોય એ થયું છે. પકડીને લાયા હતા, છુટા હાથની મારામારી નથી થઈ. જે હું સમજુ છું ત્યાં સુધી. મારી ઓફિસની બહાર નીકળતા સમયે જે કંઈ થયું એના લીધે કાચ તૂટ્યો હતો. મારો શર્ટ ફાટ્યો નથી. આ શર્ટ જૂનો છે. એની સાથે કોઈ લેવાદેવા નથી. જે છોકરાઓ જે પ્રકારની કાર્યશૈલીમાં જોડાયેલા હશે. એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે અને કડક પગલાં સો ટકા લેવામાં આવશે. હું પણ યુનિવર્સિટીનો કર્મચારી છું એટલે ઉપલા લેવલે સંપર્ક કરીને આગળ જે પ્રમાણે કહેવામાં આવશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે સમગ્ર મામલે રજીસ્ટ્રાર સાથે પણ વાત થઈ છે : ડો.ધનેશ પટેલ,ડીન -પ્રિન્સિપાલ,પોલિટેક્નિક કોલેજ

સાહેબ પણ ક્યાંકને ક્યાંક સંડોવાયેલા અને NSUI ના કાર્યકર્તા હોય તેમ લાગી રહ્યું છે :

પોલિટેકનિક કોલેજમાં છેલ્લા ઘણા વર્ષોથી ડીટેન થયેલા વિદ્યાર્થીઓ આવે છે અને માત્ર ધનેશ પટેલની આ ફેકલ્ટીમાં જ આવે છે અને જૂના વિદ્યાર્થીઓ આવીને મારામારી કરે છે આ ચોથી વખતનો કેસ છે. પૈસાનો ગોટાળો હોય તો પણ NSUI હોય, સાહેબને મારવાના હોય કે વિદ્યાર્થીઓને મારવાના હોય તો પણ NSUI હોય, પણ ક્યાંકને ક્યાંક યુનિવર્સીટીનું તંત્ર એમને છાવરવામાં આવે છે. સાહેબને માર્યા છે. પણ સાહેબ ચુપચાપ બેઠા છે. ત્યારે સાહેબ પણ ક્યાંકને ક્યાંક સંડોવાયેલા છે. છેલ્લા એક વર્ષથી આ કામ થઈ રહ્યું છે. સાહેબ કોઈ જવાબ આપતા નથી. એવું લાગે છે કે સાહેબ ગભરાય છે. એટલા માટે અમારે આજે કહેવામાં આવ્યું કે સાહેબ તમે બંગડી પહેરો આરામ કરો. વિદ્યાર્થીઓના હિત માટે વિદ્યાર્થીઓ આજે મેદાનમાં ઉતર્યા છે જરૂર પડશે તો જ દવાખાને જવા માટે પણ રેડી છે લોકોને વાગ્યું પણ છે લોકો ભણવા નહીં પણ લોહી રેડવા આવે છે આ ફેકલ્ટીમાં એવું લાગી રહ્યું છે. અમારી એક જ માંગણી હતી કે તમે એફઆઇઆર કેમ નથી કરતા. ત્યારે એવું સાહેબ NSUI ના કાર્યકર્તા હોય તેવું લાગી રહ્યું છે : અક્ષય રબારી ABVP

એબીવીપીના કાર્યકરોએ મને માર્યો માટે રાવપુરા અને ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ આપી છે :

કોલેજના સિવિલ ડિપાર્ટમેન્ટની લેબમાં એન એસયુઆઈના 2 અને એબીવીપીના 2 વિદ્યાર્થીઓ ઝગડયા હતા. અને તેઓ કેમ્પસમાં નીચે ઉતર્યા અને સામસામે ઝઘડો થયો. એમાં NSUI વાળાઓએ એ લોકોને કંઈક માર્યા હશે અને પછી એ લોકો ત્યાંથી મારીને નીકળી ગયા. ત્યાર પછી આ લોકોએ ABVP વાળા બધા 12 થી 15 જણા આવ્યા અને અમારા NSUIના પ્રથમ ચૌહાણ નામના વિદ્યાર્થીને પકડી લીધો અને જ્યાં સુધી NSUI નહિ આવે ત્યાં સુધી અમે તને નહીં છોડીએ. તો અમે એને છોડાવવા માટે પોલિટેકનિક પહોંચ્યા હતા અને આ લોકો બધા ડીનની ઓફિસમાં હતા. એટલે અમે પણ પણ મળી લઈએ એમ કરીને ત્યાં ગયા હતા. તો ઓફિસ આગળ મારામારી થઈ ગઈ. એમાં એબીવીપીના વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કામૂક્કી થઈ. એમાંથી અમારો તેજસ રોય નામના વિદ્યાર્થીને એબીપીના વિદ્યાર્થીઓએ ધક્કો માર્યો હતો અને એ છોકરો કાચમાં અથડાયો હતો. જે કાચ હાથમાં વાગ્યો અને હાથમાં ચીરો પડી ગયો હતો. જેને અમે તાત્કાલિક સારવાર માટે એસએસજી લઈ ગયા હતા અને આ વાતની એ લોકોને ખબર પડી કે ત્યાં એને દાખલ કર્યો છે એટલે આ લોકોએ પ્લાનિંગ કર્યું કે આપણામાંથી પણ કોઈને બેહોશ કરી દો એટલે પછી આ લોકો એક જણાને જેનું નામ જોયનીલ છે તેને ખાલી ખાલી ઉભો કરી SSGમાં એડમિટ કરાવવા માટે લાવ્યા હતા અને એ છોકરાને ખબર પડી કે મારી પર કેસ થશે. એટલે એ તાત્કાલિક છોકરો ત્યાંથી ભાગી ગયો કે, ભાઈ આ બધા લફડામાં મારે નથી પડવું. જે અમારા છોકરાને દાખલ કર્યો હતો એ છોકરાને અમે હાલચાલ પૂછવા માટે ગયા હતા. ત્યાં એબીબીપીના 15-20 જેટલા છોકરાઓ આવ્યા અને ત્યાં ઝઘડો કર્યો અને મારી પર હાથ ઉપાડીને મને માર્યો આ બાબતે મેં રાવપુરા પોલીસ મથકમાં અરજી આપી છે અને ફતેગંજ પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાવી છે. : અમર વાઘેલા, પ્રમુખ, NSUI

Most Popular

To Top