પેટલાદ ખાતે કિન્નરોએ એકત્ર થઈ અમદાવાદના કિન્નરોની પજવણી સામે બંડ પોકાર્યો
અમદાવાદના કિન્નરો દ્વારા પોલીસને હાથો બનાવી ખોટા ગુના નોંધી ચરોતરના કિન્નરોને પજવણી કરાતી હોવાનો આક્ષેપ
(પ્રતિનિધિ) પેટલાદ, તા.18
ચરોતરના કિન્નરો સામે છેલ્લા થોડા સમયથી નોંધપાત્ર રીતે પોલીસ ફરીયાદો નોંધાઈ રહી છે. જેને કારણે ચરોતરના કિન્નરો ભારે મુંઝવણ અનુભવી રહ્યા હતા. જેથી ગુરૂવારના રોજ પેટલાદના અખાડા ખાતે ચરોતરના 150 થી વધુ કિન્નરો એકત્ર થયા હતા. તેઓએ અમદાવાદના કિન્નરો દ્વારા થતી પજવણી અને કનડગત સામે બંડ પોકાર્યો હતો. અમદાવાદના કિન્નરો દ્વારા ચરોતરના કિન્નરો ઉપર હુમલા કરી કરાવી ખોટા કેસોમાં ફસાવવાનું ચાલતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચરોતરના કિન્નરોનો અમદાવાદમાં ભેળવી અખાડાઓ કબ્જે કરવાનો કારસો શરૂ થયો હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેથી હાલ ચરોતરમાં કિન્નરોના અસ્તિત્વનો સવાલ ઉભો થતાં કિન્નર સમાજમાં ભારે નારાજગી જોવા મળતી હતી.
પેટલાદમાં શ્રી દાદા ગંગારામ કિન્નર અખાડા ખાતે ગુરૂવારના રોજ સમગ્ર ચરોતરના કિન્નરોનો જમાવડો થયો હતો. આ અખાડાના ગાદીપતી નાયક આરતી કુંવર મધુ કુંવર કિન્નરે જણાવ્યું હતું કે, પેટલાદમાં આ અખાડો 850 વર્ષ જુનો છે. સનાતન ધર્મ સાથે સંકળાયેલો આ અખાડા તથા વૈષ્ણવ રામાનંદી કિન્નર સમાજના મહા મંડલેશ્વર આરતી કુંવરે વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, છેલ્લા છ મહિનાથી અમદાવાદના માથાભારે કિન્નરો દ્વારા ચરોતરના કિન્નરો ઉપર ખોટા પોલીસ કેસો નોંધાઇ રહ્યા છે. પોલીસને હાથો બનાવી અહીંયાના કિન્નરો ઉપર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. ચરોતરના કિન્નરો ઉપર હુમલા કરી કરાવી, કનડગત કરી, ધાકધમકી આપી તેઓ પોતાના સમાજમાં લેવા માંગે છે. પરંતુ અમારો સનાતન સંપ્રદાય છે, જ્યારે એમનો અલગ સંપ્રદાય છે. એટલે ચરોતરના કિન્નરો અમદાવાદના માથાભારે કિન્નરો સાથે નહીં જોડાતા અમારા ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્વાનું જણાવ્યું હતું.
અમદાવાદના આ બે કિન્નરોએ પાંચસો જેટલા માથાભારે કિન્નરો રાખી તેઓને નાણાં આપી આવી ગુનાહીત પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. આવું કરીને તેઓ ચરોતરના આર્થિક રીતે સમૃદ્ધ અખાડાઓ ઉપર કબ્જો જમાવવા માંગે છે. આ ઉપરાંત અમદાવાદના કિન્નરો દ્વારા અહીંયાના કિન્નરો પાસે અનેક પ્રકારની માંગણીઓ કરવામાં આવી રહી છે. જો તે પૂરી ના કરીએ તો જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી રહ્યાં હોવાનું આરતી કુંવરે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં કહ્યું હતું કે અમદાવાદના કિન્નરો નશો કરી પોતાની જાતને નુકશાન પહોંચાડી તેનો દોષ અમારી ઉપર નાંખી ખોટી ફરીયાદો કરી રહ્યા છે. ધાક – ધમકીઓ પણ આપી રહ્યાં છે. છેલ્લા થોડા દિવસોમાં નડીયાદ, કપડવંજ, સાવલી, માતર, ડાકોર વગેરે પોલીસ મથકે અમારી વિરૂદ્ધ ખોટી ફરીયાદો કરવામાં આવી છે. પરંતુ ખરેખર તો અમો એ સમય દરમ્યાન અમારા અખાડાની બહાર પણ ગયા નથી. છતાં આવી ફરીયાદ નોધાય તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારે ઝીણવટભરી તપાસ કરવી જોઈએ. જો યોગ્ય લાગે તો ગુનાના દિવસ, તારીખ, સમય દરમ્યાનના અમારે ત્યાંના સીસીટીવી ફુટેજ પણ જોવા જોઈએ. આ સમગ્ર મામલે આરતી કુંવરે જણાવ્યું હતું કે અમારા ઉપર થઈ રહેલ ખોટી ફરિયાદો, હુમલાઓ, ધમકીઓ, અત્યાચારો અંગે અધિકારીઓ અને સરકારે અમને ન્યાય અપાવવો જોઈએ અને ષડયંત્રકારોની સામે કાયદાકીય કડક પગલાં લેવા જોઈએ.