Vadodara

વોર્ડ નંબર ૧૩મા દૂષિત પાણી પ્રશ્ને સ્થાયી સમિતિ અધ્યક્ષ અને કોર્પોરેટર જાગૃતિ કાકા વચ્ચે થયો ઉગ્ર વિવાદ





પ્રતિનિધિ, વડોદરા તા. ૧૬
વડોદરા મહાનગરપાલિકામાં રોજબરોજ અલગ અલગ વિષયો પર વિવાદ થતો હોય છે, ત્યારે વોર્ડ નંબર 13 ના નવાપુરા વિસ્તારમાં દૂષિત પીવાના પાણીનો પ્રશ્ન હોય સ્થાયી સમિતિના સભ્ય અને કોર્પોરેટર જાગૃતિ કાકા, શિક્ષણ સમિતિના સભ્ય નિલેશ કહાર સહિત લોકો વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તે સમયે ટ્રેનિંગમાંથી પરત ફરેલા મ્યુનિસિપલ કમિશનર સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ‌. શીતલ મિસ્ત્રી મિટિંગમાં હતા. કોર્પોરેટર જાગૃતિ કાકાએ લોકોની સાથે મીટીંગની વચ્ચે પ્રવેશ કર્યો હતો અને વોર્ડ નંબર 13 ના નવાપુરા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાઓ બાબતે રજૂઆત કરી હતી.
સ્થાયી સમિતિના સભ્ય અને કોર્પોરેટર જાગૃતિ કાકાએ જણાવ્યા મુજબ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ‌. શીતલ મિસ્ત્રીએ કહ્યું કે “તમારા વિસ્તારના કોઈપણ કામ નહીં થાય , કેમકે તમે સ્થાયી સમિતિમાં આ કામોની મંજૂરી નથી લેતા.” વધુમાં તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે “સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ‌. શીતલ મિસ્ત્રી કોન્ટ્રાક્ટરોના છે મજામાં છે તે ખબર નથી”. અને તેમનું અપમાન થયું હોય તેવા આક્ષેપો સાથે તેમણે મીડિયા સમક્ષ સ્થાયી સમિતિ અધ્યક્ષ વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો હતો.
આ બાબતે જ્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેમણે કોઈનું અપમાન કર્યું નથી. અને જે કામો નહીં કરવાની વાત હતી તે ફાયર વિભાગ નો મુદ્દો હતો. વોર્ડ નંબર 13 માં જે દૂષિત પાણી નો પ્રશ્ન છે તેનો ઉકેલ લાવવા માટે ટીમ કામે લાગી ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું પ્રજાલક્ષી કામોમાં માનું છું અને 24 કલાક પ્રજાના પ્રશ્નોને વાચા આપતો રહું છું.


શું સ્થાયી સમિતિ અધ્યક્ષ વિરુદ્ધ કોઈ ષડયંત્ર ચાલી રહ્યું છે?”
નોંધનીય છે કે ઘણા સમયથી સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીને હેરાનગતિ થાય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને આ બાબતે તેમણે જણાવ્યું હતું કે આ રાજનીતિ છે તેથી બધું શક્ય છે. મહત્વનો પ્રશ્ન એ છે કે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી વિરુદ્ધ કોના દ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે ?

Most Popular

To Top