Charotar

પોલીસની દાદાગીરી : નડિયાદના હાર્દ સમાન વિસ્તારમાં ‘પાર્કિંગ પ્રાણ પ્રશ્ન’


જૂની તાલુકા પંચાયત અને હાલની ડભાણ પોલીસ ચોકી પાસે પાર્કિંગ મામલે પોલીસની દાંડાઈ
ભાડાપટ્ટે આવેલી પોલીસ પાર્કિંગ એરીયામાં અરજદારોના બાઈકો ઉથલાવી દઈ દબંગીરી કરવાની શોખીન બની
(પ્રતિનિધિ) નડિયાદ, તા.16
નડિયાદ ટાઉન પોલીસ વિભાગ અને તેના તાબાની પોલીસ ચોકીઓના કર્મચારીઓ બેફામ બની રહ્યા છે. અગાઉ ખુદ પોલીસ ઈન્સપેક્ટર એક મકાનમાં પોલીસ કાફલા સાથે ઘુસી ગયાની બિના બાદ હવે સરદાર પ્રતિમા પાસે આવેલી જૂની તાલુકા પંચાયતમાં શરૂ કરેયાલી ડભાણ પોલીસ ચોકીના પોલીસ અમલદારો પણ સામાન્યજનો પર હાવી થઈ રહ્યા છે. સામાન્ય પ્રજાના ટેક્સના નાણાંમાંથી પગાર લેતા આ સરકારી અમલદારો હવે સામાન્ય પ્રજા પર જ દંબગીરી કરવાના શોખીન બન્યા છે. પોતાના ઉચ્ચ અધિકારીઓની દંબગઈ જોઈ અને તેમાંથી ગુણ લઈ તાબાના કર્મચારીઓ પણ સામાન્ય પ્રજાના ટુ-વ્હીલર બાઈકો ઉથલાવી દઈ દબંગઈનો દાખલો આપી રહ્યા છે.
નડિયાદ સરદાર સ્ટેચ્યુ વિસ્તાર એ શહેરનો હાર્દ્ સમાન વિસ્તાર છે. અહીંયા રેલવે સ્ટેશનથી માંડી, બસ સ્ટેન્ડ, મસ્જીદ, ટાઉન પોલીસ મથક, SBI બેંક સહિત જાહેર સ્થળો આવેલા છે. ઉપરાંત શહેરના મુખ્ય બજારોમાં જવા માટે પણ આ મુખ્ય ચાર રસ્તા છે. આ હાર્દસ વિસ્તાર હોવાના કારણે ટ્રાફિક અને લોકોની અવર-જવરનું ભારણ રહે છે. આખા વિસ્તારમાં કોઈ પણ સરકારી કચેરી કે અન્ય જાહેર સ્થળો પાસે પર્સનલ પાર્કિંગની વ્યવસ્થા નથી. ખુદ નડિયાદ ટાઉન પોલીસ પાસે પણ પાર્કિંગ માટેની સુવ્યવસ્થિત જગ્યા નથી અને ખાસ કરીને જૂની તાલુકા પંચાયતના બિલ્ડીંગનો વપરાશ કરવા માટે હાલ નડિયાદ ટાઉન પોલીસ મથકની ડભાણ પોલીસ ચોકીને ભાડા પટ્ટે બિલ્ડીંગ આપવામાં આવી હોય, આ બિલ્ડીંગની પણ સ્પેસિફીક કોઈ પાર્કિંગની જગ્યા નથી. પાર્કિંગની સમસ્યાના કારણે વર્ષોથી અહીંયા ફૂટપાથ અને જે-તે બિલ્ડીંગોની આગળ લોકો વાહન પાર્ક કરી પોતાના કામકાજ કરતા હોય છે. આ વચ્ચે હવે નડિયાદ ટાઉનમાં થોડા મહિના પહેલા પી.આઈ. તરીકે આવેલા એમ.બી. ભરવાડને પણ પાર્કિંગની આટલી મોટી સમસ્યા અંગે કોઈ માહિતી નથી અને તેઓ બેફામ રીતે આ મુખ્ય વિસ્તારમાં સામાન્ય પ્રજાના વાહનો લેવડાવવા માટે દબંગઈ કરી રહ્યા છે. તો આ તરફ બે મહિના પહેલા જ સરદાર પ્રતિમા પાસેની જૂની તાલુકા પંચાયતની ઈમારત ભાડાપટ્ટે લઈ અને ત્યાં ડભાણ પોલીસ ચોકી શરૂ કરાઈ હોય, આ ડભાણ ચોકીના પી.એસ.આઈ. સુતરીયા પણ પાર્કિંગની સમસ્યાથી અજાણ હોય તેમ સામાન્ય નાગરીકો પર આપખુદશાહી ચલાવવા ટેવાઈ ગયા છે. હાલ જૂની તાલુકા પંચાયતમાં જે ડભાણ ચોકી શરૂ કરાઈ છે, તેની આગળ ફૂટપાથની જગ્યા છે અને ત્યાં વર્ષોથી જ્યારે તાલુકા પંચાયત ચાલતી હતી ત્યારથી સામાન્યજનો પાર્કિંગ કરતા હોય છે, પરંતુ ડભાણ ચોકી લાવ્યા બાદ અહીંયા અંગત હક્ક જમાવવાનું શરૂ કર્યુ છે અને સામાન્ય નાગરીકોને પાર્કિંગ ન કરવા માટે ધમકાવવામાં આવી રહ્યા છે. એટલુ જ નહીં, પખવાડિયા પહેલા તો અહીંયા સામાન્ય નાગરીકોએ ટુ-વ્હીલર વાહનો પાર્ક કર્યા હતા, તે વાહનોને પોલીસ દ્વારા ઉંધા પાડી દેવામાં આવ્યા હતા અને નુકસાન કરવામાં આવ્યુ હતુ. ત્યારે સામાન્ય નાગરીકોના ટેક્સના પૈસામાંથી પગાર લેતા આ પોલીસ કર્મચારીઓ સામાન્ય નાગરીકોની મુશ્કેલી સમજવામાં તદ્દન નિષ્ફળ રહ્યા છે. તેમજ પોલીસ તરીકે સામાન્યજનોના રક્ષક બનવાની બદલે ભક્ષક બનવાની કામગીરી કરી રહ્યા છે. જેના કારણે નડિયાદના નાગરીકોમાં હવે પોલીસ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top