National

જયપુરમાં રાષ્ટ્રીય કરણી સેના અને રાજપૂત કરણી સેના વચ્ચે મારામારી અને ફાયરિંગ

નવી દિલ્હી: જયપુરમાંથી (Jaipur) ફરી એકવાર ફાયરિંગના વીડિયો વાઇરલ થયા છે. અહીં શુક્રવારે રાત્રે રાષ્ટ્રીય કરણી સેના અને શ્રી રાજપૂત કરણી સેનાના બે જૂથો વચ્ચે ઝઘડા બાદ ફાયરિંગ (Firing) થયું હતું. ત્યારે ફાયરિંગ બાદ આ બાદ આ મામલે કેસ પણ નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી ઇસમની ધરપકડ પણ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

ઘટના બાદ રાષ્ટ્રીય કરણી સેના પ્રમુખ શિવસિંહ શેખાવતે શ્રી રાજપૂત કરણી સેના જૂથ પર ફાયરિંગનો આરોપ લગાવ્યો હતો. અસલમાં શેખાવત ગોળીબારમાંથી બચી ગયો હતો. જે બાદ શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ મહિપાલ સિંહ મકરાણાને ત્યાં ભારે માર મારવામાં આવ્યો હતો. તેમજ ભારે મારના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ પોલીસ આ લડાઇને વર્ચસ્વની લડાઈ માની રહી છે. ત્યારે ગોળી કોણે ચલાવી તે હજુ સુધી બહાર આવ્યું નથી.

જયપુરના DCP પશ્ચિમ અમિત કુમાર બુડાનિયાએ જણાવ્યું કે આ ઘટના શુક્રવારે મોડી રાત્રે ચિત્રકૂટ વિસ્તારમાં સ્થિત રાષ્ટ્રીય કરણી સેનાની ઓફિસમાં બની હતી. ઘટનાસ્થળેથી એક ખાલી ગોળીનો શેલ પણ મળી આવ્યો છે. આ બાબતે રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ શિવ સિંહ શેખાવતનું કહેવું છે કે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ચાર લોકો તેમને મળવા માટે એપોઈન્ટમેન્ટ લઈને આવ્યા હતા. ત્યારે તેમના સુરક્ષાકર્મીઓ પણ ઘટના સ્થળે હાજર હતા.

ટાર્ગેટ ચૂકી જવાથી મોટી દુર્ઘટના ટળી
પ્રાપ્ત વિગતો મુજબ કાર્યાલયમાં રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખને મળવા આવેલા લોકોમાં શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ મહિપાલ સિંહ મકરાણા પણ હતા. આ દરમિયાન બહારથી આવેલા લોકોએ સુરક્ષા જવાનોને બહાર જવા કહ્યું હતું. જેના પર એક સુરક્ષાકર્મી ઓફિસમાંથી બહાર ગયો હતો. આ દરમિયાન તેમનામાંથી એકે ગોળીબાર કર્યો હતો. પરંતુ ટાર્ગેટ ચૂકી જવાથી ગોળી ચલાવનાર વ્યક્તિ નાસી છૂટ્યો હતો.

બંને જૂથના સમર્થકો ઘટના સ્થળ પર એકઠા થઈ ગયા હતા
ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. જ્યારે બંને પક્ષના કર્મચારીઓને માહિતી મળી તો તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ થોડી જ વારમાં ઘટનાસ્થળે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. ત્યાર બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ભારે ફોર્સ સાથે ત્યાં પહોંચ્યા અને સમગ્ર મામલાની માહિતી લીધી હતી.

રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ શેખાવતનું આ મામલે કહેવું છે કે તેમને ઘણા સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. ત્યારે ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું તે હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આ તકરાર સંભવતઃ વર્ચસ્વની લડાઈને કારણે થઈ હતી. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

બંને નેતાઓને પોલીસ સુરક્ષા આપવામાં આવી
ઘટના બાદ બંને નેતાઓ શિવ સિંહ અને મહિપાલ સિંહ મકરાણાને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. ત્યારે કરણી સેનાના એક જૂથનું નેતૃત્વ કરનાર સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ શેખાવત અને મકરાણાને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. હાલ બંને પાસે બે-બે પોલીસકર્મીઓ સુરક્ષા માટે ઉપલબ્ધ છે.

Most Popular

To Top