ઓરસંગ નદીમાં માંડ માંડ મગરના મોઢામાંથી મૃતદેહ છોડાવી શકાયો
તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના શણોર ગામે ઓરસંગ નદીમાંથી પશુપાલક આધેડ ને મગર ખેંચી જતા સ્થાનિકો દ્વારા સંલગ્ન વન વિભાગ અને પોલીસની જાણ કરતા તંત્ર દોડતું થયું હતું. કલાકોની જહેમત બાદ પશુપાલક આધેડ ના મૃતદેહને મગરના જડબામાંથી છોડાવી નદીની બહાર લાવવામાં સફળતા મળી હતી
ચાંદોદ નજીકના શણોર-ફૂલવાડી તથા ભાલોદરા ગામના કિનારા પરથી પસાર થતી ઓરસંગ નદીમાં મગરો દ્વારા વારંવાર માનવજાત ઉપર અને પશુઓ પર હુમલાઓ કરી આતંક મચાવ્યો છે મંગળવારના રોજ આ નદીના પટમાંથી પશુને મગર ખેંચી ગયા ની ઘટના હજુ વીસરાઈ નથી ત્યાં બુધવારે ભાલોદરા ના રહેવાસી પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી પશુઓ ચરાવી હાથ પગ ધોવા નદીમાં ઉતરતા મગર દ્વારા મિનિટોમાં જ પશુપાલક આધેડ પર હુમલો કરી નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. સ્થાનિકોએ આ અંગે સંલગ્ન વન વિભાગ અને પોલીસને જાણ કરતા વન વિભાગ, નેચર હેલ્પ ફાઉન્ડેશન ની ટીમ તેમજ આવી પહોંચેલી, ડભોઇ નેચર સેવિંગ ફાઉન્ડેશન, વડોદરા ડભોઇ ફાયર ફાઈટર ની ટીમ દ્વારા સંયુક્ત રીતે આધેડને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. નદીમાં પ્રવીણ તડવી ને ખેંચી ગયેલો મગર આધેડના મોત બાદ પણ મૃતદેહ ને કલાકો સુધી પોતાના જડબામાં લઈ નદીમાં આમતેમ ફરતો રહ્યો હતો. જેને ભારે જહેમત બાદ મોઢામાંથી છોડાવવામાં ટીમોને સફળતા મળી હતી અને મૃતદેહને નદીની બહાર કાઢવામાં આવ્યો હતો ચાંદોદ પોલીસે ઘટના સંબંધી જરૂરી કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહ અને પીએમ અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.