નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) બુધવારે મુસ્લિમ મહિલાઓની (Muslim women) તરફેણમાં એક મોટો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ ભથ્થુ માંગવાની છુટ આપી હતી. જેથી હવે, મુસ્લિમ મહિલાઓ CrPCની કલમ 125 હેઠળ પોતાના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે.
અસલમાં થોડા સમય પહેલા તેલંગાણા હાઈકોર્ટે એક મુસ્લિમ યુવકને વચગાળામાં તેની પૂર્વ પત્નીને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ વિરુદ્ધ યુવકે ફેબ્રુઆરી 2024માં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. વ્યક્તિએ તેની અરજીમાં કહ્યું હતું કે આ કેસમાં ભરણપોષણ 125 CrPCને બદલે મુસ્લિમ મહિલા અધિનિયમ, 1986ની જોગવાઈઓ દ્વારા સંચાલિત થવું જોઈએ.
કોર્ટમાં શું થયું?
કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મુસ્લિમ મહિલા CrPCની ‘ધર્મ તટસ્થ’ કલમ 125 હેઠળ તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરવા માટે હકદાર છે. જસ્ટિસ નાગરથન અને જસ્ટિસ જ્યોર્જ મસીહની સુપ્રીમ કોર્ટની બેન્ચે આજે આ કેસની વિગતવાર સુનાવણી કરતાં અકસાથે બે અલગ-અલગ નિર્ણયો આપ્યા હતો.
આ મામલે ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ભારતીય પરિણીત પુરુષે એ હકીકત વિશે સભાન રહેવું જોઈએ કે જો તેની પત્ની આર્થિક રીતે સ્વતંત્ર નથી તો પતિએ તેના માટે ઉપલબ્ધ રહેવું જોઈએ. આવા સશક્તિકરણનો અર્થ પત્નિને જરૂરી તમામ સંસાધનોની પહોંચ હશે. કોર્ટે કહ્યું કે જે ભારતીય પુરૂષો પોતાના અંગત ખર્ચે પોતાની પત્નિના જરૂરી સંસાધનોનું ધ્યાન રાખે છે અને મહિલાઓને મદદ કરે છે તેવા પતિઓના પ્રયાસોને સ્વીકારવા જોઈએ.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે માત્ર મુસ્લિમ મહિલાઓ જ નહીં, કોઈપણ ધર્મની મહિલાઓ ભરણપોષણની હકદાર છે. કલમ 125 હેઠળ મહિલા તેના પતિ વિરુદ્ધ ભરણપોષણનો કેસ દાખલ કરી શકે છે. જેમાં ધર્મ કોઈ અવરોધ નથી.
આ સાથે જ જસ્ટિસ નાગરથનાએ ચુકાદો આપતી વખતે એક મહત્વની વાત પણ કહી હતી. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ભારતીય પુરુષોએ પોતાની પત્નીઓના બલિદાનને ઓળખવું જોઈએ. તેમણે સલાહ આપી કે તેમના ખાતા અને સંયુક્ત ખાતા ખોલવા જોઈએ. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે શાહબાનો કેસમાં કાયદાની ધર્મનિરપેક્ષતાની વાત કરી હતી. એટલે કે કાયદો કોઇ ધર્મમાં વિશ્વાસ રાખતો નથી, કાયદો હંમેશા વ્યક્તિના હિતમાં હોય છે.