શહેરમાં બે કલાક સુધી વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડ્યો
(પ્રતિનિધિ) ખેડા તા.9
ખેડા શહેરમાં બપોરના સમયે વરસાદનું ધમાકેદાર બેટીંગ જોવા મળ્યું હતું. સતત બે કલાક સુધી સાંબેલાધાર વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી સામનો કરવો પડ્યો હતો.
ખેડા શહેરમાં બપોરના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. જેમાં ખેડા બસ સ્ટેશનની સામે આવેલા મુલકી ભવનના પાર્કિંગ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહી થવાના કારણે પાણી ભરાય જવાથી પાર્ક કરેલા ટુ વહીલર પાણીમાં ડૂબ્યા હતા. ભારે ગરમી અને બફારા બાદ મંગળવારે વરસાદ પડતા ગરમીમાં રાહત જોવા મળી હતી. આ વરસાદ પડવાથી ખેડૂતોના પાકને પણ જીવતદાન મળ્યું હતું.
જોકે, વીજળીના કડાકા સાથે પડેલા ભારે વરસાદના કારણે ખેડા શહેરમાં રાવજીકાકા હોસ્ટેલની અંદાજીત 50 ફૂટ લાંબી અને 6 ફૂટ ઉંચી મજબૂત દીવાલ ધારાશાયી થઈ ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વીજળીના મોટા અવાજની સાથે જ આ દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ દીવાલ ઘસી પડવાના કારણે બીજી તરફ અંબિકા કોમ્પ્લેક્સમાં પાર્ક કરેલી ગાડી પર કાટમાળ પડતાં ભારે નુકશાન થયું હતું. આ ઉપરાંત તાલુકાના પરસાતજ ગામમાં વિજળી પડતાં ભાવાભાઈ બુધાભાઈ ગોહેલના ઘર પાસે બાંધેલા પશુનું મોત નિપજ્યું હતુ.