નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) દલાઈ લામા વિરુદ્ધ સાત વર્ષના છોકરાની છેડતીના આરોપની પીઆઇએલ ઉપર આજે 9 જુલાઇના રોજ સુનાવણી કરી હતી. અસલમાં દલાઇ લામા (Dalai Lama) ઉપર આરોપો હતા કે તેમણે સગીર બાળકને ચુંબન કર્યું છે. જેથી તેમની ઉપર જન હીત માટે પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી. જે દિલ્હી હાઇ કોર્ટે ફગાવી દીધી છે.
થોડા સમય પહેલા દલાઇ લામાનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તેમણે એક 7 વર્ષીય બાળકને હોઠ ઉપર ચુંબન કર્યું હતું. જેથી તેમની ઉપર જન હીતમાં એક પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી કે જેમાં દલાઇ લામા ઉપર પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ત્યારે આ કેસની સુનાવણી દરમિયાન કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહનની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું હતું કે પીઆઈએલ પર ધ્યાન આપી શકાય નહીં અને આ ઘટના પૂર્વ આયોજિત નહોતી.
કોર્ટે કહ્યું કે આ ઘટના સંપૂર્ણપણે જાહેરમાં બની હતી. એવું જાણવા મળ્યું હતું કે સગીર બાળકે પોતે દલાઈ લામાને મળવા અને ગળે મળવાની ઈચ્છા અને ઈરાદો વ્યક્ત કર્યો હતો. ત્યારે દલાઇ લામા બાળકને હસાવવાના પ્રયાસ કરી રહ્યા હતા અને આ બાબતને તિબેટીયન સંસ્કૃતિના સંદર્ભમાં જોવું જોઈએ. જેથી જે બનાવ બન્યો તે આસ્મિક હતો.
કોર્ટે સુનાવણી દરમિયાન વધુમાં કહ્યું કે દલાઇ લામા એક ધાર્મિક સંપ્રદાયના વડા છે આ હકીકતને પણ ધ્યાનમાં લેવી જોઈએ. ખંડપીઠે કહ્યું કે દલાઈ લામા પહેલા જ જે લોકોને દુઃખ થયું છે તેમની માફી માંગી ચુક્યા છે. ત્યારે સરકાર આ મુદ્દાની તપાસ કરશે અને આ મામલામાં કોઈ જનહિત નથી. આ મામલો ફક્ત આકસ્મિક છે.
દલાઈ લામાએ બાળકના હોઠને ચુંબન કર્યું
વીડિયોમાં દલાઈ લામા બાળકના હોઠને ચુંબન કરતા જોવા મળ્યા હતા. ત્યારે અરજદારે કોર્ટને વિનંતી કરી હતી કે કોર્ટ અધિકારીઓને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ હેઠળ આ ઘટના અંગે તપાસ હાથ ધરવાનો લેવાનો નિર્દેશ આપે. આ સાથે જ બાળકની ઓળખને ન્યૂઝ પોર્ટલ પર રોકવાની પણ માંગ કરવામાં આવી હતી.
લામાની શુદ્ધતાને શંકા હેઠળ લાવવાનો પ્રયાસ
અરજદાર તરફથી હાજર રહેલા એડ્વોકેટે કહ્યું કે તેઓ શુદ્ધતાને શંકાના દાયરામાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા નથી, પરંતુ સત્તાવાળાઓએ ઘટનાની સંજ્ઞાન લીધા પછી નિવેદન બહાર પાડવું જોઈએ. વકીલે દલીલ કરી હતી કે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સગીરોને હોઠ પર ચુંબન કરવું સામાન્ય બાબત બની જશે. આ સાથે જ અરજદારે તમામ ધાર્મિક સ્થળો અને આશ્રમોનું ઓડિટ કરવાની સૂચનાઓ માટે પણ વિનંતી કરી હતી.