Editorial

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાતના સૂચિતાર્થો બહુ ગૂઢ છે

યુક્રેનના મુદ્દા પર અમેરિકા અને રશિયા વચ્ચે પ્રોક્સી યુદ્ધ ચાલી રહ્યું છે તેવા માહોલમાં ભારતમાં ચૂંટણી જીત્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયા જઈને તેના પ્રમુખ વ્લાદિમિર પુતિનને મળશે તે મોટી આંતરરાષ્ટ્રીય ઘટના છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો જૂના અને ગાઢ છે તે એક વાત છે, પણ ભારતના વડા પ્રધાન રશિયાની મુલાકાત લે તે બીજી વાત છે. ભારતના વડા પ્રધાનની પુતિન સાથેની મુલાકાત પહેલાં હંગેરીના વડા પ્રધાન અને યુરોપિયન યુનિયનના અધ્યક્ષ વિક્ટર ઓર્બને મોસ્કો જઈને પુતિન સાથે મુલાકાત કરી તે પણ રહસ્યમય ઘટના છે. આ બાબતમાં યુરોપિયન યુનિયનના નેતાઓની તીખી પ્રતિક્રિયા આવી છે. હંગેરીના વડા પ્રધાનની પુતિન સાથેની મુલાકાત પછી ભારતના વડા પ્રધાન પુતિનને મળવા જઈ રહ્યા છે તે સૂચવે છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કંઈક ગંભીર ઘટનાઓ પડદા પાછળ આકાર લઈ રહી છે.

હકીકતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં બંને દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક થઈ નથી. લંડનની કિંગ્સ કોલેજમાં સાઉથ એશિયન સ્ટડીઝના પ્રોફેસર ક્રિસ્ટોફ જાફરેલોટ કહે છે કે મોદીની રશિયાની મુલાકાતનાં ભૌગોલિક તેમ જ રાજકીય પાસાંઓ છે. ભારત અને રશિયા વચ્ચે વિશેષ સંબંધો બનાવીને રશિયા અને ચીન વચ્ચેના સંબંધોને ઘટાડી શકાય છે. મોદી ૨૦૧૯માં એક આર્થિક પરિષદમાં ભાગ લેવા માટે રશિયાના વ્લાદિવોસ્તોક ગયા હતા. પુતિન અને મોદીની છેલ્લી મુલાકાત ૨૦૨૨માં ઉઝબેકિસ્તાનમાં થઈ હતી, જ્યારે પુતિન છેલ્લે ૨૦૨૧માં દિલ્હી ગયા હતા.

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર એરિક ગારસેટ્ટીએ કહ્યું હતું કે તેમનો દેશ રશિયાને જવાબદાર ઠેરવવા માટે સાથે મળીને કામ કરવા અંગે ભારત સાથે સતત સંપર્કમાં છે. સ્વાભાવિક છે કે યુરોપ અને અમેરિકા બંને મોદી અને પુતિનને સાથે જોઈને ખુશ નહીં થાય. જ્યારે આ બંનેનું માનવું છે કે યુક્રેનમાં થયેલા હુમલાને કારણે યુરોપિયન અશાંતિ માટે પુતિન જવાબદાર છે. જો કે, સત્તાવાર રીતે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયન રાષ્ટ્રપતિ પુતિનના આમંત્રણ પર ૨૨મી ભારત-રશિયા વાર્ષિક શિખર પરિષદ માટે રશિયાની મુલાકાતે છે.

ભારતનું કહેવું છે કે તેની વિદેશ નીતિ વ્યૂહાત્મક સ્વાયત્તતા અને રાષ્ટ્રીય હિત પર આધારિત છે. પરંતુ પશ્ચિમી દેશોમાં ફેલાયેલી રશિયા વિરોધી ભાવનાઓને જોતાં આ મુલાકાત ભારતના વ્યૂહાત્મક ભાગીદાર અમેરિકાને નારાજ કરી શકે તેમ છે. મોદીની રશિયાની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે અમેરિકા અને નાટોના તેના યુરોપીય સહયોગી દેશો રશિયાને વૈશ્વિક સ્તરે અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમણે રશિયા પર કડક પ્રતિબંધો લાદ્યા છે.

અમેરિકાના બાલ્ટીમોર સ્થિત જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં એપ્લાઇડ ઇકોનોમિક્સના પ્રોફેસર સ્ટીવ એચ. હેન્કે માને છે કે રશિયાના ભારત સાથે ઐતિહાસિક સંબંધો છે. ભારતના વડા પ્રધાન મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર બંનેનાં નિવેદનોને જોતાં સ્પષ્ટ થાય છે કે ભારત રશિયા સહિતના તમામ દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે. રશિયા એક એવો દેશ છે જેની સાથે ભારતના સોવિયત યુગથી સારા સંબંધો છે. ભારતમાં ઘણા મોટા સ્ટીલ પ્લાન્ટ રશિયા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. રશિયાએ ભારતીય અવકાશ કાર્યક્રમોમાં પણ મદદ કરી હતી. કપરા સંજોગોમાં પણ સોવિયેત રશિયા ભારતની સાથે ઊભું હતું. સોવિયેત રશિયાએ જ ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક તાશ્કંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

વર્ષ ૨૦૦૦માં જ્યારે પુતિન પ્રથમ વખત રશિયાના પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારી અંગેની ઘોષણા હેઠળ સંરક્ષણ, અવકાશ અને આર્થિક કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સોદો અને ઊર્જા સહયોગ વર્તમાન સમયમાં ભારત અને રશિયા વચ્ચે ચાલી રહેલા સહયોગનું ઉદાહરણ છે. આ જટિલતાઓનો સામનો કરીને ભારત અને રશિયા તેમના સંબંધોને વધુ ગાઢ બનાવવાની ક્ષમતા ધરાવે છે, જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે બદલાતા વૈશ્વિક સંજોગો વચ્ચે પણ તે મજબૂત રહે. ભારત-રશિયા સંબંધો હવે ચરમસીમાએ છે. ભારતીય વડા પ્રધાનની મુલાકાત એક નવી ભૌગોલિક અને રાજકીય વિશ્વ વ્યવસ્થાની શરૂઆત કરશે, જેના કારણે વિશ્વમાં ઘણાં નવાં સંયોજનો ઉભરી આવશે.

પશ્ચિમી દેશોનાં લોકોએ ઘણી વખત અફસોસ વ્યક્ત કર્યો છે કે મજબૂત લોકશાહી તરીકે ભારતે યુક્રેન વિરુદ્ધ રશિયાના હુમલાની નિંદા કરી નથી. જો કે, ભારતની તટસ્થતા ઘણી વાર રશિયાની તરફેણમાં હોવાનું માનવામાં આવે છે. પરંતુ, ભારતમાં ઘણાં લોકો માને છે કે જ્યારે રશિયાની વાત આવે છે, ત્યારે પશ્ચિમી મિડિયા તેની તટસ્થતા ગુમાવે છે. યુક્રેન સામેના યુદ્ધમાં ભારતે રશિયાની નિંદા કરવી જોઈએ એવી પશ્ચિમી દેશોની અપેક્ષા કોઈ પણ સંજોગોમાં પૂરી થવાની નથી. ભારત માટે સૌથી મહત્ત્વની બાબત તેનું પોતાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય હિત છે.

અમેરિકા અને યુરોપિયન દેશો ચિંતિત છે કે ભારતનો રશિયા સાથેનો વેપાર અને સંરક્ષણ સહકાર રશિયાને યુક્રેનમાં તેની આક્રમકતા રોકવા માટે દબાણ કરવાના હેતુથી ચાલતાં આંતરરાષ્ટ્રીય અભિયાનને નબળું પાડે છે. રશિયામાંથી ભારતની ક્રુડ ઓઈલની આયાત ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી ૧૩ ગણી વધી ગઈ હતી. આ જ કારણ છે કે ૨૦૨૩-૨૪માં ભારત અને રશિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વધીને ૬૪ અબજ ડોલર થઈ જશે. આમાં ભારતની નિકાસ માત્ર ચાર અબજ ડોલર છે. બાકીના ૬૦ અબજ ડોલરની ભારતે રશિયામાંથી આયાત કરી હશે. પશ્ચિમી મિડિયામાં તો વ્યાપકપણે નોંધાયું છે કે રશિયા યુક્રેન પર આક્રમણ પહેલાં હતું તેના કરતાં આજે વધુ સમૃદ્ધ છે. પશ્ચિમી મિડિયા આ માટે ભારત અને ચીનને ઘણી હદ સુધી જવાબદાર માને છે. બંને દેશો રશિયન ક્રુડ ઓઈલના મોટા ખરીદદાર છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે બે વર્ષ પહેલાં વોશિંગ્ટનમાં પત્રકારોને જોરદાર જવાબ આપ્યો હતો, જ્યારે તેમણે ધ્યાન દોર્યું હતું કે પ્રતિબંધો હોવા છતાં, યુરોપ ભારત કરતાં રશિયા પાસેથી વધુ ખનિજ તેલની આયાત કરે છે. તે સમયે તેમણે કહ્યું હતું કે જો તમે રશિયા પાસેથી ઊર્જાની ખરીદીની વાત કરો છો, તો હું સૂચન કરું છું કે તમારું ધ્યાન યુરોપ પર હોવું જોઈએ. અમે સામાન્ય ઊર્જાની ખરીદી કરીએ છીએ જે અમારી ઊર્જા સુરક્ષા માટે જરૂરી છે. ભારત રશિયા પાસેથી એક મહિનામાં જેટલું ખનિજ તેલ ખરીદી રહ્યું છે તેટલું યુરોપ એક રાતમાં ખરીદી રહ્યું છે.

યુક્રેન પર આક્રમણ અને ક્રિમીઆના જોડાણ જેવી કાર્યવાહી બાદ પશ્ચિમી દેશોએ રશિયા સામે કડક કાર્યવાહી કરી છે. આ ક્રિયાઓને કારણે, રશિયાને અમેરિકા, યુરોપિયન યુનિયન અને અન્ય સહયોગીઓ તરફથી વ્યાપક પ્રતિબંધો અને રાજદ્વારી પ્રતિકારનો સામનો કરવો પડ્યો છે. જો કે, રશિયાએ ચીન, ભારત, મધ્ય પૂર્વ અને આફ્રિકાના ઘણા દેશો સાથે મજબૂત સંબંધો બનાવ્યા છે. આનાથી પશ્ચિમી પ્રતિબંધોની અસર ઘટાડવામાં રશિયાને મદદ મળી છે. રશિયાએ આફ્રિકન સરમુખત્યારો, ઈરાન, ચીન વગેરે સાથે કેળવેલા ગાઢ સંબંધો પરથી આ સ્પષ્ટ થાય છે.

હંગેરી એક માત્ર યુરોપિયન દેશ છે જે રશિયાની નજીક છે. હંગેરી આજે યુરોપિયન યુનિયનમાં સૌથી ઉદાર દેશ ગણાય છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં સત્તામાં પાછા આવે તો શું? ફ્રાન્સના નિષ્ણાતોએ ભારતને આ સંભાવના અંગે ચેતવણી આપી છે. તેમના કહેવા મુજબ ચીન એવી કાર્યવાહી કરી શકે છે જે હિમાલયમાં પ્રાદેશિક અખંડિતતા માટે ભારતની તરફેણમાં નહીં હોય. તેવા સમયે ભારતને રશિયાના સાથની જરૂર પડશે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ બદલાઈ રહેલી વિશ્વવ્યવસ્થામાં રશિયા સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવાના મિશન સાથે રશિયા ગયા છે.

Most Popular

To Top