નવી દિલ્હી: પ્રખ્યાત ગાયિકા ઉષા ઉત્થુપના (Usha Uthup) પતિ જાની ચાકો (Jani Chako) ઉત્થુપનું દુ:ખદ અવસાન થયું હતું. જાનીએ સોમવારે 8 જુલાઈના રોજ કોલકાતામાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે તેમનું અવસાન હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યું હતું. તેમજ જાની ચાકોના નિધનના સમાચાર તેમના પરિવારજનોએ મંગળવારે મીડિયાને આપ્યા હતા.
પ્રાપ્ત અહેવાલો મુજબ 78 વર્ષીય જાની ચાકો ઘરે ટીવી જોઈ રહ્યા હતા ત્યારે તેમને અસ્વસ્થતા અનુભવાઈ હતી. ત્યારબાદ જાની ચાકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમજ તબીબોના જણાવ્યા મુજબ તેમનું અવસાન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. ત્યારે તેમના અંતિમ સંસ્કાર વિશે માહિતી આપતા પરિવારે જણાવ્યું હતું કે આજે 9 જુલાઈ મંગળવારે જાનીની અંતિમ વિદાઇ કરવામાં આવશે.
જાની ઉષા ઉથુપના બીજા પતિ હતા
જાની ચાકો ઉષા ઉથુપના બીજા પતિ હતા અને સંગીતની દુનિયાથી તેઓ ખુબ દુર હતા. તેઓ એક મોટા બિઝનેસમેન હતા. અને પોતાનો વ્યવસાય સંભાળતા હતા. તેઓ ચાના બગીચાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. બંનેની પહેલી મુલાકાત 70ના દાયકાની શરૂઆતમાં પ્રખ્યાત નાઈટક્લબ ત્રિંકાસામાં થઈ હતી. જાની ચાકોના પરિવારમાં ઉષા ઉત્થુપ અને એક પુત્ર અને પુત્રી છે. આ પહેલા ઉષા ઉથુપે પહેલા રામુ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. તેમજ તેમના લગ્ન માત્ર પાંચ વર્ષ જ ટકી શક્યા, ત્યારબાદ બંને અલગ થઈ ગયા હતા.
ઉષા અને જાની અલગ-અલગ ધર્મના હતા
સિંગર ઉષા ઉત્થુપે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ અને જાની ચાકો ઉત્થુપ અલગ-અલગ ધર્મના છે, જો કે તેમના સંબંધોમાં ધર્મ ક્યારેય વચ્ચે આવ્યો નથી, જ્યારે બંનેએ પહેલીવાર લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે ગાયિકાએ જાનીને પૂછ્યું હતું કે, તમે તમારા બાળકોને કેવી રીતે ઉછેરશો? એટલે કે મતલબ જાની બાળકોને કયા ધર્મનું પાલન કરવા કહેશે? ત્યારે જાનીએ માત્ર એટલું જ કહ્યું હતું કે તેઓ બાળકોની સાર સંભાળ માત્ર બાળકોની જેમ કરશે.
ઉષાએ નાઈટ ક્લબથી કરિયરની શરૂઆત કરી
ઉષા ઉત્થુપ બોલીવુડની પ્રખ્યાત ગાયિકા છે. હિન્દીની સાથે સાથે તેમણે ઘણી બધી ભાષાઓમાં ગીતો ગાયા છે. ઉષા ઉત્થુપે 1969માં ચેન્નાઈની એક નાનકડી નાઈટ ક્લબમાં પોતાની સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી. પોતાના દમદાર અવાજને કારણે તેમને ઘણી લોકપ્રિયતા મળી અને દેશભરની ઘણી મોટી નાઈટ ક્લબમાં ગાવાની તક મળી. આ દરમિયાન દિવંગત અભિનેતા દેવ આનંદની નજર દિલ્હીની એક નાઈટ ક્લબમાં ઉષા ઉથુપ પર પડી. આ પછી તેમણે ઉષા ઉત્થુપને 1971માં આવેલી ફિલ્મ હરે રામા હરે કૃષ્ણાથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તક આપી હતી.