નગરપાલિકાની કડકાઈ બાદ પાછલાં બાકી વેરામાંથી 15 લાખની વસુલાત થઈ
આજે પ્લેટીનમ પ્લાઝામાં પહોંચેલા કર્મીઓ દ્વારા નોટીસો લગાવાઈ
નડિયાદ, તા.8
નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા પાછલા બાકી વેરાની ઉઘરાણી માટે 5 ટીમો મેદાને ઉતારી છે. જુદા-જુદા વોર્ડના બાકીદારોની યાદી બનાવી અને આ ટીમોને વેરાની વસુલાત માટે મોકલવામાં આવી છે. આ પૈકી અત્યાર સુધી અંદાજીત 15 લાખ રૂપિયા વેરો નગરપાલિકામાં ભરપાઈ થયો છે.
મળતી માહિતી મુજબ નડિયાદ નગરપાલિકાએ છેલ્લા સપ્તાહ જેટલા સમયથી ચાલુ વર્ષને બાદ કરી તે અગાઉના નાણાંકીય વર્ષોના જે એકમોના વેરા બાકી છે, તેમની પાસેથી વેરાની વસુલાત કરવાની કામગીરી આરંભી છે. આ માટે ચીફ ઓફીસર રૂદ્રેશ હુદળ દ્વારા જુદા-જુદા વિભાગના કર્મચારીઓની 5 જેટલી ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોને વોર્ડ વહેંચી દેવામાં આવ્યા છે અને જે-તે વોર્ડના તેમને બાકીદારોની યાદી અને નોટીસો આપવામાં આવી છે. આ પૈકી આજે એક ટીમ શહેરના સ્ટેશન રોડ નજીક આવેલા પ્લેટીનમ પ્લાઝાની દુકાનોમાં પહોંચી હતી, જેમાં જે દુકાન માલિકોનો વેરો બાકી હતો, તેમને નોટીસો આપી હતી અને મિલકતો સીલ કરવાની કામગીરી કરી હતી. નગરપાલિકાએ આપેલી નોટીસોમાં નગરપાલિકાએ જે-તે મિલકત માલિકને વેરો ભરપાઈ કરવા માટે 5 દિવસનો સમય આપ્યો છે અને આ સમયગાળામાં વેરો ન ભરે તો મિલકતની જાહેર હરાજી કરીને વેરાની વસુલાત કરવાની ચિમકી ઉચ્ચારી છે. આ વચ્ચે નગરપાલિકાની આ કાર્યવાહી શરૂ થયા બાદ અત્યાર સુધી અંદાજીત 15 લાખ જેટલો વેરો પાલિકામાં જમા થયો છે. તો વળી, હજુ પાછલો અંદાજીત 11 કરોડનો વેરો ભરાવવા માટે નગરપાલિકા કયા પ્રકારના પગલાં લે છે, તે આગામી દિવસોમાં જોવા મળશે.