National

સંદેશખાલી મામલે મમતા સરકારને ઝટકો, સુપ્રીમે આપી CBI તપાસની મંજુરી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની (West Bengal) મમતા બેનર્જી સરકારને સોમવારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. અસલમાં સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારની સંદેશખાલી મામલે હાઇકોર્ટને (High Court) પડકારતી અરજીને ફગાવી દીધી છે. તેમજ સુપ્રીમ કોર્ટે 42 કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાના કોલકાતા હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે.

આજે સોમવારે 8 જુલાઇના રોજ સુપ્રીમ કોર્ટમાં મમતા સરકારની કોલકાતા હાઇકોર્ટના નિર્ણયને પડકારતી અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અગાઉ હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓના યૌન શોષણ, જમીન પચાવી પાડવા અને રાશન કૌભાંડ સાથે જોડાયેલા તમામ મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. જેને મમતા સરકારે સુપ્રીમમાં પડકાર્યો હતો. પરંતુ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારની અરજી ફગાવી દીધી છે.

સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને કહ્યું હતું કે રાશન કૌભાંડમાં 43 FIR દાખલ કરવામાં આવી હતી. જેમાં રાજકીય કારણોસર અતિશયોક્તિ કરવામાં આવી રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે મમતા સરકારને પૂછ્યું હતું કે રાજ્ય સરકાર શા માટે કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહી છે?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કલકત્તા હાઈકોર્ટની ટિપ્પણીથી તપાસ પ્રભાવિત થવી જોઈએ નહીં. હકીકતમાં આ કેસની સુનાવણી કરતી વખતે કલકત્તા હાઈકોર્ટે મમતા સરકારને આંચકો આપ્યો હતો અને આસંદેશખાલી કેસની સીબીઆઈ દ્વારા તપાસ કરવાનો નિર્ણય આપ્યો હતો અને કહ્યું હતું કે તપાસની દેખરેખ કલકત્તા હાઈકોર્ટ પોતે કરશે. આ નિર્ણય સામે મમતા સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.

સંદેશખાલી મામલો શું છે?
અસલમાં સીબીઆઈ 5 જાન્યુઆરીએ સંદેશખાલીમાં ED અધિકારીઓ પર થયેલા હુમલાની તપાસ કરી રહી હતી. ત્યારે રાશન કૌભાંડ કેસમાં TMC નેતા શેખ શાહજહાંના ઘરે દરોડો પાડવા આવેલા EDના અધિકારીઓ પર ટોળાએ હુમલો કર્યો હતો. આરોપ છે કે શાહજહાં શેખના નિર્દેશ પર તપાસ એજન્સીના અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. શાહજહાં અને તેના સહયોગીઓ પર મહિલાઓની જાતીય સતામણી અને જમીન પચાવી પાડવાનો પણ આરોપ છે. ત્યારે વિવાદ વધતાં ટીએમસીએ શાહજહાંને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

Most Popular

To Top