National

5 વર્ષ બાદ PM મોદી રશિયા-ઓસ્ટ્રિયાની ત્રણ દિવસની મુલાકાતે રવાના

નવી દિલ્હી: 5 વર્ષના લાંબા સમયગાળા બાદ વડાપ્રધાન મોદી (PM Modi) રશિયા-ઓસ્ટ્રિયાની મુલાકાતે છે. ત્યારે આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથે મોસ્કોમાં 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. આ પછી પીએમ મોદી 9 જુલાઈએ ઓસ્ટ્રિયા (Austria) જશે.

પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે રશિયા અને ઓસ્ટ્રિયાની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે રવાના થયા હતા. ત્યારે પોતાની મુલાકાત વિશે માહિતી આપતા પીએમ મોદીએ ટ્વિટર પર કહ્યું હતું કે તેઓ આગામી ત્રણ દિવસમાં રશિયા અને ઓસ્ટ્રિયામાં હશે. આ મુલાકાતો એવા દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની એક શ્રેષ્ઠ તક હશે કે જેમની સાથે ભારતની લાંબા સમયથી મિત્રતા છે. હું અહીં રહેતા ભારતીય સમુદાય સાથે વાતચીત કરવા માટે પણ ઉત્સુક છું.

રશિયાની મુલાકા વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારત અને રશિયા વચ્ચે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થઈ છે. હું મારા મિત્ર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા કરવા આતુર છું. “ભારત અને રશિયા વચ્ચેની વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી છેલ્લા 10 વર્ષોમાં વધુ વિકસી છે, જેમાં ઊર્જા, સુરક્ષા, વેપાર, રોકાણ, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ, પર્યટન અને લોકો-થી-લોકોના સંપર્ક વગેરે ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે.”

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ આ પ્રમાણે રહેશે
પીએમ મોદી મંગળવારે રશિયામાં સ્થાયી થયેલા ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. જ્યાં તેઓ ક્રેમલિનમાં સૈનિકોની કબર પર પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ મોસ્કોમાં પ્રદર્શની સ્થળ પર રોસાટોમ પેવેલિયનની મુલાકાત લેશે. આ પછી મોદી અને પુતિન વચ્ચે પ્રતિબંધિત સ્તરની વાતચીત થશે, ત્યારબાદ વડા પ્રધાન અને રશિયન રાષ્ટ્રપતિની આગેવાની હેઠળ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે. ત્યારે આ ચર્ચા દરમિયાન રશિયન સૈન્યમાં નોકરીના નામે ગેરમાર્ગે દોરવામાં આવેલા અને મોકલવામાં આવેલા ભારતીયોની વહેલી મુક્તિનો મુદ્દો પણ ચર્ચામાં આવવાની આશા છે.

બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોમાં જબરદસ્ત સુધારો – જયશંકર
મોસ્કોમાં પુતિન સાથે વડા પ્રધાન મોદીની મુલાકાત પહેલાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોમાં જબરદસ્ત સુધારો થયો છે. રશિયા સાથેના સંબંધોમાં આ સૌથી મોટો ફેરફાર છે. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન માટે સંયુક્ત રીતે બંને દેશોના સંબંધો પર ચર્ચા કરવાનો આ શ્રેષ્ઠ અવસર હશે.

Most Popular

To Top