બોડી વોર્ન કેમેરા, ધાબા પોઈન્ટ, મહિલા પોલીસ, ડ્રોન કેમેરા તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખશે :
( પ્રતિનિધિ ) વડોદરા,તા.3
7 જુલાઈ અષાઢી બીજ નિમિત્તે વડોદરાના ગોત્રી ઈસ્કોન મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે. ત્યારે, વડોદરા શહેર પોલીસે આગામી તૈયારીના ભાગરૂપે અગત્યની બેઠક મળી હતી. જેમાં શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ઈસ્કોન મંદિરના સ્વામી, પાલિકાના પદાધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગામી 7 જુલાઈ અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ભવ્યાતિ ભવ્ય રથયાત્રા વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તારથી પસાર થઈ નિર્ધારિત રૂટ ઉપર નીકળશે. જેમાં ભગવાન જગન્નાથજી તમામ ભક્તજનોને પોતાના દર્શન આપશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિભક્તો જોડાતા હોય છે, તેને લઈને વડોદરા શહેર પોલીસ પણ સજ્જ બની છે, અને ભક્તજનોને કોઈ પણ અગવડતા ન પડે તેની સંપૂર્ણ તકેદારી પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવી છે. તો બીજી તરફ સુરક્ષાના ભાગરૂપે બોડી વોર્ન કેમેરા, ધાબા પોઈન્ટ, મહિલા પોલીસ, ડ્રોન કેમેરા, સાથે વડોદરા શહેર પોલીસ તમામ ગતિવિધિઓ ઉપર ચાંપતી નજર રાખશે. બુધવારે શહેર પોલીસે અગત્યની બેઠક બોલાવી હતી. જેમાં વડોદરા મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડો.વિજય શાહ સહિત ઈસ્કોન મંદિરના સ્વામી, અધિકારીઓ અને વિવિધ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.