પી.આઈ. ભરવાડે રસ્તા પર ઉતરી સામાન્યજનોને દંડ ફટકારવાનું શરૂ કરતા વ્યાપક રોષ
ટ્રાફિક નિયમોની પાલનવારીના નામે મહિનામાં નડિયાદવાસીઓ પાસે 3.18 લાખ દંડ ફટકાર્યો
(પ્રતિનિધિ) નડિયાદ, તા.29
નડિયાદ ટાઉન પોલીસ ઈન્સપેક્ટર વારંવાર વિવાદમાં સંડોવાઈ રહ્યા છે. અગાઉ પાડોશીઓની સામાન્ય માથાકૂટમાં એક ઘરમાં ઘુસી જઈ પરીવાર સાથે ગેરવર્તન કર્યા બાદ હવે છેલ્લા કેટલાય દિવસથી શહેરના જાહેર માર્ગો પર ઉતરી અને ટ્રાફિક નિયમોની અમલવારીના નામે નડિયાદવાસીઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે, શહેરમાં પાર્કિંગની પુરતી વ્યવસ્થા ન હોવાથી લોકો ફૂટપાથ કે રોડની બાજુમાં વાહનો મૂકતા હોય, તેમને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ તરફ તેમના જ ટાઉન પોલીસના કમ્પાઉન્ડમાં તેમની ચેમ્બર સામે વિવિધ ગુનાઓના જપ્તીના વાહનો ભંગારમાં તબ્દીલ થઈ રહ્યા છે, તે અંગે કોઈ કામગીરી કરવા માટે પોલીસ વિભાગ તૈયાર નથી.
મળતી માહિતી મુજબ એક મહિનાના સમયગાળામાં નડિયાદ ટાઉન પોલીસ ઈન્સપેક્ટરની સૂચનાથી અને કેટલાક કેસોમાં તેમની પ્રત્યક્ષ હાજરીમાં જ નડિયાદના શહેરીજનોને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાના નામે 3.18 લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. નડિયાદ શહેરમાં મોટા ભાગે મુખ્ય માર્ગ ગણાતા રેલવે સ્ટેશનથી છેક પારસ સર્કલ સુધી અને તેનાથી પણ આગળના રોડ પર પાર્કિંગ માટે નગરપાલિકા દ્વારા કે બિલ્ડરો દ્વારા કોઈ ચોક્કસ વ્યવસ્થા કરાઈ નથી. ત્યારે બજારમાં પોતાના કામ માટે આવતા નાગરીકો અહીંયા ફૂટપાથ કે રોડ પર અન્ય વાહનચાલકોને નડતરરૂપ ન થાય, તે રીતે વાહનો મૂકી બજારમાં જતા હોય છે, આવા મધ્યમવર્ગના નાગરીકોના વાહનો ડીટેઈન કરવાની ધમકીઓ આપી અને સ્થળ દંડના નામે અત્યાર સુધી લાખો રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. જેના કારણે નાગરીકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. નડિયાદ ટાઉન પી.આઈ. એમ.બી. ભરવાડ શહેરભરમાં ટ્રાફિકના નિયમોની અમલવારી કરાવવા માટે નીકળ્યા છે, તે ટાઉન પોલીસ મથકના કમ્પાઉન્ડમાં જ પાર્કિંગની કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી. જે ખુલ્લી જગ્યા હતી, ત્યાં વિવિધ ગુન્હા સબંધિત અને અન્ય કામના બાઈક અને એક્ટિવા સહિતના વાહનો લાંબા સમયથી મુકી રાખવામાં આવ્યા છે. કાટમાળ બની રહેલા આ વાહનોનો નિકાલ કરવા સંદર્ભે પોલીસ પ્રશાસન દ્વારા કોઈ કામગીરી કરાતી નથી અને પોતાના જ કમ્પાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા થાય, તે દિશામાં કોઈ કામગીરી કરવા ઉચ્ચ પોલીસ કર્મીઓ તૈયાર નથી અને બીજીતરફ સામાન્યજનોને દંડ ફટકારી, પોતાની ઉચ્ચ કચેરીઓમાં કામગીરી બતાવવા માટે પોલીસ કર્મીઓ રોજેરોજ રસ્તા પર ઉતરી રહ્યા છે. નડિયાદ ટાઉન પોલીસ મથકના કમ્પાઉન્ડમાં ખૂબ લાંબા સમયથી આ વાહનો પડી રહ્યા છે, અગાઉ ઉનાળાની સિઝનમાં આવી રીતે મૂકી રાખેલા વાહનોમાં આગની બિનાઓ અન્ય પોલીસ મથકોમાં બની છે. ત્યારે આવા અકસ્માત ટાળવા પણ ટાઉન પોલીસ મથકના જવાબદારોએ જાગવુ પડશે, તે નિશ્ચિત છે.
નડિયાદ ટાઉન પી.આઈ.ને પોતાની ચેમ્બર સામે કાટમાળ બનેલા વાહનો દેખાતા નથી
By
Posted on