મહીસાગર એસીબીએ સીધા જ એલસીબી ઓફિસની ટ્રેપ ગોઠવી.
આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચના ઇતિહાસમાં પ્રથમ વખત એસીબીએ સીધા જ ઓફિસમાં ઘુસી લાંચ લેતા પોલીસ જવાને પકડી પાડ્યો હતો. જોકે, આ ટ્રેપમાં કુલ બે જવાન દાયરામાં હતાં. પરંતુ એક ફરાર થઇ ગયો હતો. જ્યારે પકડાયેલા જવાનને આણંદ એસીબી ખાતે લઇ જઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટ્રેપ મહીસાગર એસીબી દ્વારા ગોઠવવામાં આવી હતી.
મહીસાગર એન્ટી કરપ્શન બ્યૂરોને ફરિયાદ મળી હતી કે, આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ હિતેશ જીવાભાઈ ચૌહાણ (રહે. પોલીસ લાઇન, ખંભોળજ, મુળ રહે. સીલી, તા. ઉમરેઠ) તથા આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ઘનશ્યામસિંહ ઉત્તમસિંહ સેનગર (રહે. રંગભુમિ પાર્ક, વિદ્યાનગર, મુળ રહે. ભોજરાજપુર, તા. ગોંડલ)એ લાંચ માંગી હતી. એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદી સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો છે. આ ગુનાના કામમાં હાજર થવા માટે બન્ને જવાન ઘરે ગયાં હતાં અને ત્યાં ફરિયાદી પાસે રૂ. ચાર લાખની માગણી કરી હતી. આ મુદ્દે રકઝક થતાં રૂ.70 હજાર લેવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત રૂ.70 હજાર તથા એક જામીન લઇ એલસીબી ઓફિસે આવી જવા જણાવ્યું હતું. જોકે, મામલો મહિસાગર એસીબી સુધી પહોંચી ગયો હતો. આથી, પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. તેજોત દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ ટ્રેપ મુજબ બુધવારના રોજ એસીબીની ટીમ સીધી જ એલસીબીમાં પહોંચી હતી. જ્યાં જરૂરી વાતચીત કરી લાંચના રૂ.70 હજાર એએસઆઈ ઘનશ્યામસિંહને આપ્યાં હતાં. જોકે, હેડ કોન્સ્ટેબલ હિતેશ ચૌહાણ કામ અર્થે બહાર હતો અને તેને એસીબી ટ્રેપની ગંધ આવી જતાં તે બારોબાર ભાગી ગયો હતો. આ સંદર્ભે મહિસાગર એસીબીની ટીમે લાંચની રકમ રૂ.70 હજાર રીકવર કરી હતી. આ ટ્રેપનું સુપરવિઝન મદદનીશ નિયામક બી.એમ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટ્રેપના પગલે પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી.