Vadodara

આજે અંગારકી સંકષ્ટ ચતુર્થી, શ્રીજીની ઉપાસના માટેનો વિશેષ દિવસ, મંદિરે ભક્તો ઉમટ્યા



વડોદરા, તા.
આજે અંગારીકા ચોથ હોવાથી સવારથી વિવિધ શ્રીજીના મંદિરે દર્શનાર્થે ભક્તોની ભીડ જોવા મળી હતી. શહેરના ભાવકાલે ગલ્લીમાં શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આજે અંગારિકા ચતુર્થીનું સવારે કેસર સ્થાન ત્યારબાદ મંગળા આરતી કરવામાં આવી હતી. મંદિરના મહંત શૈલેષ મહારાજે જણાવ્યું હતું કે, આજે અંગારક સંકષ્ટ ચતુર્થી છે. ભગવાન ગણેશની સાધના-આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે. વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિવસે ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રદ્ધાના સથવારે કરી બાપાના આર્શીવાદ લેવાનો પ્રયત્‍ન કરે છે. મંગળવારે પડતી ચતુર્થીને અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવે છે. આ દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે, આજનું વ્રત કરવાથી ભક્તોના બધા દુ:ખ દૂર થાય છે. દર મહિને પૂર્ણ ચંદ્ર પછી આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે. જ્યારે અમાવાસ્યા પછીની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. મહિનામાં બે વાર ચતુર્થી વ્રત રાખવામાં આવે છે. અંગારકી સંકષ્ટ ચતુર્થી, ગણેશ ઉપાસના માટેનો વિશેષ દિવસ ગણવામાં આવે છે. આ દિવસે ‘ગણેશયાગ’ કરાયા હતું. એટલું જ નહીં, ગણેશ ઉપાસકો ‘ગણપતિ અથર્વશીર્ષ’, ‘સંકષ્ટનાશન ગણેશસ્તોત્ર’ વગેરે સ્તોત્રનું પઠન કરીને વિધ્નહર્તા દેવને પ્રસન્ન કર્યા હતા.

Most Popular

To Top