Vadodara

દેવગઢ બારિયા: પાનમ નદીમાં એકાએક પુર આવતા ટ્રેક્ટર તણાયું

દાહોદ:

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બૈણા ગામની પાનમ નદીમાં એકાએક પુર આવતા ટ્રેક્ટર તણાયું હતું. ટ્રેક્ટરના ચાલક સહિત અન્ય એક યુવક પાણીના પ્રવાહમાં ફસાયા હતાં ગ્રામજનોએ ચાલક સહિત યુવકને બહાર કાઢ્યા હતા. સદનસીબે જાનહાનિ થતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.


દેવગઢ બારીઆ તાલુકાના બૈણા ગામે પસાર થતી પાનમ નદીમાં રાત દિવસ મોટા પાયે રેતી ખનન ચાલી રહ્યું છે. જેમાં ચોમાસાંને લઈ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ ને પણ અહીના રેત માફીયા ઓ જાણે ઘોળી ને પી જતા હોય તેમ જોવાઈ રહ્યું છે. ગત વર્ષે નદીમાં પુર આવવાના કારણે ઉચવાણ ગામે રેતી ભરવા ગયેલી ટ્રક તણાઈ હતી જેમાં બાર કલાક થી વધુ સમયની ભારે જહેમતે પાણીનાં પુરમાંથી એન ડી આર એફ ની ટીમે ટ્રક ચાલક સહિત અન્ય ત્રણ લોકો ને હેમખેમ બહાર કાઢ્યા હતા. ત્યારે દર વર્ષે આ પાનમ નદીમાં રેતી ભરવા જતા ટ્રક તેમજ ટ્રેક્ટરો તણાઈ જવાના બનાવો બનતા જોવા મળ્યા છે. ત્યારે આ વર્ષે પણ હજુ બારીયા પંથકમાં ચોમાસાંની શરૂઆત થઈ નથી. વરસાદ વરસ્યો નથી. તે પહેલા જ ટ્રેક્ટર તણાવવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઉપરવાસમાં વધુ વરસાદના કારણે પાનમ નદીમાં એકાએક પુર આવતા એક ટ્રેક્ટર જે નદીમાં રેતી ભરવા માટે ગયું હતું તે રીતે ભરીને બહાર આવે તે પહેલા જ નદીમાં એકાએક પાણીનો પ્રવાહ વધી જતા પુર ની સ્થિતિ સર્જાઇ હતી. ટ્રેક્ટર ચાલક કઈ સમજે તે પહેલા જ ટ્રેક્ટરની ચારે તરફ પૂરના પાણી ફરી વળતા ટ્રેક્ટર નદીમાં રેતી ભરવા માટે જે રસ્તો બનાવવામાં આવ્યો હતો તેમાંથી તણાઈને થોડે દૂર સુધી જતું રહ્યું હતું . ત્યારે ટ્રેક્ટર ચાલક તેમજ અન્ય એક ઇસમ એમ બંને જણ ટ્રેક્ટર ની ટ્રોલીમાં ઉભા થઈ ગયા હતા. જે બનાવની જાણ આસપાસના ગ્રામજનોને થતા ગ્રામજનોએ દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ગ્રામજનોએ એક ઇસમ ને ટ્રેક્ટર માંથી બહાર કાઢી લીધો હતો. જ્યારે નજીકમાં જ રેતીનુ ખોદકામ કરતાં હીટાચી મશીન દ્વારા ટ્રેક્ટરના ચાલક સહિત ટ્રેકટર ને પણ બહાર કાઢી લેતા સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ ના થતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો . આ બૈણા પંથકમાં મોટાપાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હોય તેમ જોવાઈ રહ્યું છે ત્યારે તંત્ર આ વાર એક માફિયા ઉપર પગલા લેશે કે પછી દર વખતની જેમ ગાડીઓ તણાતા જ તંત્ર દોડતું રહેશે તે જોવાનું રહ્યું.

Most Popular

To Top