Vadodara

વડોદરા : રેલ્વે સ્ટેશન પર 108ની શ્રેષ્ઠ કામગીરી, કોચ ખાલી કરી મહિલાને સફળ ડિલિવરી કરાવી

શ્રમજીવી મહિલા પતિ સાથે વતન જવા ટ્રેનની રાહ જોઈ ઉભી હતી :

મહિલાએ બાળકીને જન્મ આપ્યો, સારવાર અર્થે ખસેડાઈ

( પ્રતિનિધિ ) વડોદરા તા.24

મધ્યપ્રદેશના મેઘનગર જવા માટે વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 ઉપર શ્રમિક દંપત્તિ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનની રાહ જોઈ રહ્યું હતું. તેવામાં ગર્ભવતી મહિલાને પ્રસુતિની પીડા ઉમટતા રેલ્વે સ્ટેશન પર ઉભેલી ટ્રેનનો કોચ ખાલી કરાવી 108ની મદદથી નોર્મલ ડિલિવરી કરાવાઈ હતી. શ્રમિક મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપતા બંનેને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

વડોદરાના રેલવેના કર્મચારી અફઝલ અલી સૈયદે માહિતી આપતા જણાવ્યું હતું કે રવિવારે સાંજે 5 વાગ્યાના અરસામાં તેઓ ફરજ ઉપર હતા. ત્યારે પ્લેટફોર્મ નંબર બે ઉપર મુંબઈ તરફના છેડે ઉભા હતા. મધ્યપ્રદેશના મેઘનગર જવા માટે પશ્ચિમ એક્સપ્રેસની રાહ જોતું શ્રમજીવી દંપત્તિ મુકેશ ભૂરા અને પત્ની મંજુલાબેન ની રાહ જોતા હતા દરમિયાન અચાનક મંજુલાબેન ને પ્રસુતિની પીડા ઉપડી હતી. જેથી ત્વરિત 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરાઈ હતી. બીજી તરફ પ્લેટફોર્મ ઉપર થોભેલી વડોદરા વલસાડ ઇન્ટરસિટી ટ્રેનનો કોચ ખાલી કરાવ્યો હતો. કોચના બારી દરવાજા બંધ કરી મહિલા તેમજ અન્ય મુસાફર મહિલાઓ અને 108 એમ્બ્યુલન્સના મહિલા કર્મચારીઓની મદદથી મંજુલાબેનને સફળ નોર્મલ ડિલિવરી કરાવી હતી. જેમાં મંજુલાબેને બાળકીને જન્મ આપ્યો હતો. જેઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

Most Popular

To Top