પાર્ક કરેલા વાહનો પણ આગની ચપેટમાં ખાખ
મીની મેજર કોલ જાહેર કરાતા ચાર ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર દોડી આવ્યા : પાર્ક કરેલા વાહનો પણ આગની ચપેટમાં
આગ લાગવાનું કારણ અકબંધ, મોટી માત્રામાં નુકસાન થયું હોવાનું અનુમાન :
( પ્રતિનિધિ ) વડોદરા તા.21
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી મેડિકલની એક દુકાનમાં આગ લાગી હતી. એકા એક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલી બીજી ત્રણ દુકાનો પણ ચપેટમાં આવી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મીની મેજર કોલ જાહેર કરવામાં આવતા પાણીગેટ, દાંડિયાબજાર, વડીવાડી અને ટીપી 13 ફાયર સ્ટેશનનો સ્ટાફ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથધર્યા હતા. આગમાં મોટી માત્રામાં નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાયુ છે.
રાવપુરા ટાવર ચાર રસ્તા નજીક આવેલી એરોય એન્ડ કુ સહિતની દુકાનોમાં વહેલી પરોઢિયે ભીષણ આગ લાગતા તંત્ર દોડતું થયું હતું. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ચાર ફાયર સ્ટેશનના જવાનો ફાયર વાહનો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. તેઓ સાથે એમજીવીસીએલ તેમજ પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. જોકે જોત જોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા બીજી દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. જ્યારે મેડિકલની દુકાન બહાર પાર્ક કરવામાં આવેલા વ્હીકલો પણ આગમા બળીને ખાખ થયા હતા.
ફાયર ઓફિસર તિલકસિંગ રાઠોડે જણાવ્યું હતું કે, રાવપુરા ટાવર પાસે એરોયની બાજુમાં ચાર પાંચ દુકાન હતી એ દુકાને સવારે સાડા ચાર વાગ્યે સાથે આગ લાગી હતી કયુ કારણ છે એ હજુ ખબર પડી નથી અમે મારી ટીમ સાથે સ્થળ પર આવીને કાપ મેળવે છે ખૂબ મોટું નુકસાન થયું છે. પાણીનો જ ઉપયોગ કરીને આગ ઉપર કાબુ મેળવ્યો છે પાણીગેટિવ દાંડિયા બજાર અને ટીપી 13 નો સ્ટાફ કામગીરીમાં લાગ્યો હતો.
એરોય દુકાનના માલિકના સંબંધી જયેશ પટેલે જણાવ્યું હતું કે, સવારે વહેલા કોઈક એક દુકાનમાં આગ લાગી હશે. એમાં ત્રણ દવાની દુકાન છે એરોય એન્ડ કંપની, પૃષ્ટિ મેડિકલ, અને દવાની દુકાન છે એમાં પ્રથમ માળે લેબોરેટરી હતી. અને ત્રણ દુકાનમાં વધારે આગ લાગી હતી. ગાડીઓ રોડ ઉપર હતી. એ બે સળગી છે બે દેખાય છે, પણ એ કઈ રીતે સળગી છે તે પ્રશ્ન છે. શોર્ટ સર્કિટના કારણે હશે. લગભગ સાડા ત્રણ વાગ્યાની આગ લાગી હશે. પણ બહાર સુધી આવતા પબ્લિકની અવરજવર થઈ એટલે ખબર પડી. ઉનાળાનો સમય છે ગરમી છે એટલે આગ લાગી હશે. મારા હિસાબથી પ્રથમ આગ લાગી હોય તો એ પોપ શુઝ જ હોઈ શકે. સદનસીબે આ આગનો બનાવ વહેલી સવારે બન્યો હતો. જેથી કોઈ જાનહાની થઈ નથી. જોકે કયા કારણોસર આગ લાગી, મેડિકલની દુકાનમાં ફાયર સેફટીની સુવિધા, એલાર્મ છે કે નહીં તેવા અનેકો વિષય ઉપર તંત્ર દ્વારા તપાસ હાથ ધરાશે.