નવી દિલ્હી: તમિલનાડુના (Tamil Nadu) કલ્લાકુરિચી ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અસલમાં અહીં ગેરકાયદેસર ઝેરીલો દારૂ (Poisoned Liquor) પીવાથી 30 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ગંભીર રીતે બીમાર થયા હતા. સમગ્ર મામલે મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને રાજ્યપાલ આરએન રવિએ શોક વ્યક્ત કર્યો હતો. તેમજ કલ્લાકુરિચી જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે જિલ્લાની સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દર્દીઓને મળ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 30 લોકોના મોત થયા હતા, જ્યારે 100થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આ કેસમાં ગેરકાયદેસર દારૂ બનાવવાના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આરોપીઓ પાસેથી 200 લીટર ગેરકાયદેસર દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રાથમિક તપાસમાં દારૂમાં જીવલેણ મિથેનોલ હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ આ કેસની તપાસ રાજ્યના મુખ્યમંત્રીએ CB-CIDને સોંપવાનો આદેશ કર્યો હતો.
આ ઘટનાની માહિતી મળતાં જ મુખ્ય મંત્રી એમકે સ્ટાલિને ઝેરી દારૂના કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને સારવાર હેઠળ રહેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે ગેરકાયદેસર દારૂનું ઉત્પાદન રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે
મુખ્યમંત્રીએ ટ્વિટર પર પોસ્ટ શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે, “જો લોકોને આવા ગેરકાયદેસર દારૂના ઉત્પાદન વિશે માહિતી મળે, તો તેઓએ તાત્કાલિક જાણ કરવી જોઈએ. તેમની માહિતી પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે કલ્લાકુરિચીમાં ભેળસેળયુક્ત દારૂ પીવાથી લોકોના મોતના સમાચાર સાંભળીને હું આઘાતમાં અને દુ:ખી છું. આ ઘટનાના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ ઘટનાને રોકવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. તમિલનાડુના ગવર્નર આરએન રવિએ પણ માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને અસરગ્રસ્તોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.
સમગ્ર મામલે તમિલનાડુના રાજ્યપાલે પણ કલ્લાકુરિચીમાં થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આવી ઘટનાઓ ચિંતાનો વિષય છે. રાજ્યમાં સમયાંતરે આવા કિસ્સાઓ સામે આવતા રહે છે. આ દર્શાવે છે કે રાજ્યમાં ગેરકાયદેસર દારૂનો વપરાશ ઓછો થયો નથી. આ એક મોટી ખામી છે અને ચિંતાનો વિષય પણ છે.
અધિકારીઓ સામે કાર્યવાહી, તપાસના આદેશ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમિનાડુ પોલીસે આ મામલે કે. કન્નુકુટ્ટી (49) નામના વ્યક્તિની ધરપકડ કરી હતી, જેની પાસેથી 200 લિટર ઝેરી દારૂ મળી આવ્યો હતો. આ દારૂમાં મિથેનોલ ભેળવવામાં આવ્યો હતો. તેમજ સ્ટાલિન સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. તપાસની જવાબદારી CB-CIDને સોંપવામાં આવી હતી. ત્યારે કલ્લાકુરિચી DM શ્રવણ કુમાર જાટવથની તેમના કામમાં બેદરકારી બદલ બદલી કરવામાં આવી છે.
આ સાથે જ SP સમય સિંહ મીણાને સસ્પેન્ડ કરવાના આદેશ જારી કરવામાં આવ્યા હતા. કલ્લાકુરિચી જિલ્લાના પોલીસકર્મીઓ સહિત નવ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ તમામ અધિકારીઓ ઉપર તેમના કામમાં બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમજ મેટ્રીમેન ઈવી વેલુ અને સુબ્રમણ્યમને આ કેસમાં મદદ માટે કલ્લાકુરિચી મોકલવામાં આવ્યા હતા. જ્યારે MS પ્રશાંત હવે જિલ્લાના નવા કલેક્ટર હશે અને રાજથ ચતુર્વેદી નવા SP હશે.
પેકેટ વાળો દારૂ પીધા બાદ તબિયત લથડી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 18 જૂનના રોજ કલ્લાકુરિચી જિલ્લાના કરુણાપુરમ વિસ્તારમાં દૈનિક મજૂરી કરનારાઓએ દારૂના પેકેટ ખરીદ્યા હતા, પરંતુ દારૂ પીધા પછી તેમની તબિયત બગડવા લાગી હતી. કેટલાકને ઉલ્ટી થઈ અને કેટલાકને ઝાડા થઈ ગયા. કોઈને પેટમાં ભયંકર દુખાવો થયો. આંખમાં બળતરાથી પીડાતા લોકો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ત્યારે થોડી જ વારમાં લોકો મરવા લાગ્યા હતા. જેથી 20 થી વધુ લોકોને તાત્કાલિક કલ્લાકુરિચી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીમાર પડેલા લગભગ 18 લોકોને પુડુચેરી JIPME અને 6 લોકોને સાલેમ રિફર કરવામાં આવ્યા હતા, પરંતુ લોકોને બચાવી શકાયા ન હતા. આટલી મોટી સંખ્યામાં બિમાર લોકો હોસ્પિટલે પહોંચતા જિલ્લાભરના તબીબોમાં ખળભળાટ મચી ગયો હતો.