અનિયમિત ઋતુચક્રને કારણે વરસાદ ખેંચવાની સંભાવનાને લઈને ચોમાસાનું ટાઈમ ટેબલ ખોરવાતું જાય છે
(પ્રતિનિધિ) આણંદ તા 18
આણંદ શહેર અને સમગ્ર જીલ્લામાં છેલ્લા અઠવાડિયાથી ગરમી સાથે પવન ફુંકાય છે ક્યારેક વાદળછાયુ વાતાવરણ સર્જાય છે કેટલાક વિસ્તારમાં મેઘરાજાની પધરામણીની આતુરતા અનુભવાય છે. પરંતુ મેઘરાજા વરસી પડે તેવો માહોલ સર્જાયો નથી. છતા પણ આણંદ જિલ્લાના આઠેય તાલુકાના ખેડૂતો ભગવાન ભરોસે ઊંડીખેડ કરી ખાતર બિયારણની વ્યવસ્થા કરીને,વાવણીના જરૂરી સંસાધનો તૈયાર રાખીને હવે વાવણી જોગ સારા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે, હવે હવામાન ખાતાની હળવાથી ભારે વરસાદની આગાહીને કારણે અંગે ખેડૂતો આશા રાખીને સમયસર વાવણીની તૈયારીમાં છે. કુવા બોર અને પિયતની સુવિધા વાળા ખેડૂતો આગોતરું વાવેતર કરીને વહેલો પાક લેવાની તૈયારી રાખે છે.
સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસુ બેસી જવાનો સમય હોય છે. વર્ષો પહેલા ભીમઅગિયારસે પરંપરાગત વાવણિયા જોતરાઈ જતા હતા. જે 17 સોમવારે જૂને અગિયારસ પણ આવી ગઈ છે. પરંતુ અનિયમિત ઋતુચક્રને કારણે વરસાદ ખેંચવાની સંભાવનાને લઈને ચોમાસાનું ટાઈમ ટેબલ ખોરવાતું જાય છે . આવી સ્થિતિ વચ્ચે મોટાભાગના ધરતી પુત્રો મેઘરાજા સમયસર મહેર કરે તેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે