ક્વિટોઃ ઇક્વાડોરના (Ecuador) બાનોસ ડી અગુઆ સાંતા વિસ્તારમાં સોમવારે 17 જૂનના રોજ ભૂસ્ખલન (Landslide) થયું હતું. ભૂસ્ખલનને કારણે આ વિસ્તારમાં 6 લોકોનાં મોત (Died) થયા હતા. તેમજ 30થી વધુ લોકો ગુમ થયા હોવાની માહિતી મળી હતી. આ સાથે જ સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદને (Rain) લઈને એલર્ટ (Alert) પણ જારી કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ઇક્વાડોરમાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મધ્ય ઇક્વાડોરમાં એક હાઇવે પર ભૂસ્ખલનને કારણે કાટમાળ ખીણમાં ખાબકતા છ લોકો દબાઇને મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય 30 લોકો ગુમ થયા હતા. આ ઘટના અંગે માહિતી આપતા ઇક્વાડોરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે દેશભરમાં નદીઓના નીર છલકાયા હતા. ત્યારે ઇક્વાડોરમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે ખોરવાઇ ગયું હતું.
બાનોસ શહેરમાં કાદવ અને કાટમાળ એક ટેકરીની નીચે સરકી ગયો હતો. જે સરકીને ત્રણ કાર, બે મકાનો અને એક બસ પર પડ્યો હતા. ત્યારે શહેરના ફાયર વિભાગના જણાવ્યા અનુસાર બાનોસને ઇક્વાડોરના રિસોર્ટ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અગ્નિશમન વિભાગના ડેપ્યુટી ચીફ કેપ્ટન એન્જલ બરીગાએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે બચાવકર્મીઓ નવ ઘાયલોની સારવાર કરી રહ્યા છે અને દુર્ઘટના સ્થળેથી છ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 30 થી વધુ લોકો કાદવમાં ફસાયા હોવાની આશંકા છે.
ભારે વરસાદથી મુશ્કેલી વધી
છેલ્લા ઘણા દિવસોથી ઇક્વાડોર અને પ્રદેશના અન્ય ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. આ સપ્તાહની શરૂઆતમાં અલ સાલ્વાડોરમાં ભૂસ્ખલનમાં બે બાળકોના મોત થયા હતા. ત્યારે આ વાવાઝોડાના કારણે સમગ્ર ઇક્વાડોરના હાઇવે અને પુલો પર કાદવ અને પૂરના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે એમેઝોનિયન પ્રાંતો સાથે દેશને જોડતા મુખ્ય માર્ગોને પણ ભારે નુકસાન થયું હતું. ઇક્વાડોરમાં વરસાદની સ્થિતિ એવી બની છે કે રાહત અને બચાવ કામગીરીમાં પણ બચાવકર્મીઓને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગતવર્ષ પણ ભૂસ્ખલનના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા
ગતવર્ષ 2023માં પણ ઈક્વાડોરમાં ભૂસ્ખલનને કારણે 43 લોકોના મોત થયા હતા. તેમજ ભૂસ્ખલનથી 163 મકાનો નાશ પામ્યા હતા, જ્યારે 1000થી વધુ લોકો બેઘર થઈ ગયા હતા. આ ભૂસ્ખલનમાં 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા અને 40 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.