નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) પરિણામો બાદ દેશમાં NDAની સરકાર બની છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે 71 સાંસદોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. તેમજ મંત્રીઓના શપથગ્રહણના (Oath taking) એક સપ્તાહ બાદ મંડલા સીટના લોકસભા સાંસદ ફગ્ગન સિંહ કુલસ્તેનું (Faggan Singh Kulaste) એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. વીડિયોમાં કુલસ્તે કહી રહ્યા છે કે તેમણે રાજ્યમંત્રી પદ લેવાનો ઇનકાર કર્યો હતો. તેમણે આ વીડિયોમાં તેમના આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું છે.
કેન્દ્રમાં સતત ત્રીજી વખત સત્તામાં આવેલી નરેન્દ્ર મોદી સરકારના મંત્રી પરિષદમાં સ્થાન ન મેળવનાર કુલસ્તેએ વીડિયો દ્વારા કહ્યું હતું કે તેમણે ચોથી વખત જુનિયર મંત્રી બનવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. મધ્યપ્રદેશની મંડલા સીટ પરથી સાત વખતના સાંસદ અને ભાજપના આદિવાસી નેતાએ કહ્યું, “હું ત્રણ વખત રાજ્યકક્ષાનો મંત્રી રહ્યો છું. ચોથી વખત રાજ્યકક્ષાના મંત્રી બનવું સારું નથી એટલે મેં સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમજ મેં કહ્યું હતું કે હું કેબિનેટ મંત્રી બનીશ તો સારું રહેશે…” કુલસ્તેના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. તેમજ એમ કહેવામાં આવી રહ્યું છે કે કુલસ્તે કેબિનેટમાં સામેલ ન થવાથી નારાજ છે, આ નારાઝગી તેઓ ખુલ્લેઆમ વ્યક્ત નથી કરી રહ્યા.
કુલસ્તેની જગ્યાએ સાવિત્રી ઠાકુરને તક આપવામાં આવી
લોકસભા ચૂંટણી 2024માં ભાજપે મધ્યપ્રદેશની તમામ 29 લોકસભા સીટો પર જીત મેળવી હતી, ત્યારબાદ આ જીતનું ઈનામ પણ મધ્યપ્રદેશને મળ્યુ હતું. એટલે કે મોદી કેબિનેટમાં મધ્યપ્રદેશમાંથી 5 મંત્રીઓના નામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બીજી તરફ જૂના નામોના પત્તાં પણ કપાયા હતા. આદિવાસી સમુદાયમાંથી આવતા કુલસ્તેને ગયા વખતે મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું હતું પરંતુ આ વખતે તેમનું પત્તું કપાઇ ગયું હતું. આ વખતે કુલસ્તેની જગ્યાએ ધાર સાંસદ સાવિત્રી ઠાકુરને તક આપવામાં આવી હતી.
જણાવી દઈએ કે કુલસ્તે મોદી સરકારમાં ગયા વખતે ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી હતા. ત્યાર બાદ વડાપ્રધાન તરીકે મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી હતા. કુલસ્તે 1999 થી 2004 વચ્ચે અટલ બિહારી વાજપેયી સરકારમાં આદિજાતિ બાબતો અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી રહ્યા હતા. ત્યારે લોકસભા ચૂંટણી 2024માં જીત મેળવ્યા બાદ કુલસ્તેએ રાજ્ય કક્ષાના મંત્રી બનવાની ના પાડી હતી.