પરા દરવાજા, કાછીયા શેરી અને કુંભારવાડા વિસ્તારમાં દસ જેટલા કેસ મળી આવ્યા
(પ્રતિનિધિ) ખેડા તા.15
ખેડા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોગચાળાનો વાવર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પરા દરવાજા, કાછીયા શેરી અને કુંભારવાડા વિસ્તારમાં દસ જેટલા કેસ મળી આવતાં આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને પાણીના સેંપલ લઇ ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો છે.
ખેડા શહેરના પરા દરવાજામાં આવેલા પરા દરવાજા, કાછીયા શેરી અને કુંભારવાડા વિસ્તારમાં ઝાડા – ઉલટીના દસથી વધુ કેસ જોવા મળ્યાં હતાં. આ ઘટનાના પગલે આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી હતી અને ચાર જેટલી ટીમ ઉતારી દેવામાં આવી હતી. આશરે 182 જેટલા ઘરમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 21 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં 12 પોઝિટીવ અને 11 નેગેટીવ આવ્યાં હતાં. હાલ ખેડા સિવિલમાં ચાર વ્યક્તિ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. જે વિસ્તારમાં રોગચાળાનો વાવર દેખાયો છે, ત્યાં 900 ઉપરાંત વસતી છે. આથી, આરોગ્ય વિભાગે મામલાને ગંભીરતાથી લઇ પાણીના સેમ્પલ લઇ તેને લેપોબેરટરીમાં મોકલી આપ્યાં હતાં. જ્યારે નગરપાલિકા દ્વારા પણ ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.