મધ્ય પ્રદેશ: ઉજ્જૈન પોલીસે (Ujjain Police) આજે 14 જૂનના રોજ મધ્યપ્રદેશના ઈતિહાસના સૌથી મોટા સટ્ટાબાજી કૌભાંડનો (Betting Scam) પર્દાફાશ કર્યો હતો. જેમાં ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ટીમ, નીલગંગા અને ખારાકુના પોલીસે સંયુક્ત રીતે આ સટ્ટાબાજીમાં સંડોવાયેલી આંતરરાષ્ટ્રીય ગેંગની દરોડા (Raid) પાડી ધરપકડ કરી હતી. આ દરોડા દરમિયાન પોલીસે ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરતા 9 બુકીઓને પણ ઝડપ્યા હતા. જોકે મુખ્ય આરોપી ફરાર થઈ ગયો હતો.
ઉજ્જૈન પોલીસના જણાવ્યા મુજબ બાતમીદારની સૂચના પર ઉજ્જૈનમાં એક સાથે બે સ્થળોએ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉજ્જૈનના નીલગંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સી 19 ડ્રીમ્સ કોલોની સિવાય ખારાકુઆન પોલીસ સ્ટેશન વિસ્તારના મુસદ્દીપુરામાં પણ પોલીસ કાર્યવાહી થઈ હતી. પોલીસને બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે T20 વર્લ્ડ કપ ક્રિકેટને લઈને મોટા પાયે સટ્ટો રમાઈ રહ્યો છે. ત્યારે બાતમીના આધારે પોલીસે પહેલા બંને જગ્યાએ રેકી કરી હતી અને પછી મોડી રાત્રે દરોડા પાડ્યા હતા.
ઉજ્જૈન પોલીસે આ દરોડામાં આરોપીઓ પાસેથી 41 મોબાઈલ ફોન, 19 લેપટોપ, 5 મેક-મિની, 1 આઈપેડ, નેશનલ અને ઈન્ટરનેશનલ સિમ, 2 પેન ડ્રાઈવ, 3 મેમરી કાર્ડ અને અન્ય વસ્તુઓ મળી કુલ 14.58 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. આ ઉપરાંત વિદેશી ચલણ સાથે કરોડો રૂપિયાની લેવડદેવડના હિસાબો પણ પ્રકાશમાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના રહેવાસી છે. જેના તાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા હોવાની માહિતી સાંપડી છે.
સમગ્ર મામલે પોલીસ નિરીક્ષક સંતોષ કુમાર સિંહે જણાવ્યું કે ટીમને ગુરુવારે માહિતી મળી હતી કે પીયૂષ ચોપડા નામનો ઇસમ પંજાબ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક લોકો સાથે 19 ડ્રીમ્સ કોલોનીના ડુપ્લેક્સ નંબર 18માં ઘણા દિવસોથી મોટા પાયે આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજીમાં સામેલ હતા. સટ્ટાબાજી ચલાવનાર આ લોકો નીલગંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે. ત્યારે માહિતીના આધારે નાયબ પોલીસ અધિક્ષક ક્રાઈમ યોગેશ તોમરે પોલીસ ટીમ સાથે દરોડો પાડ્યો હતો. જ્યાં, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે T-20 વર્લ્ડ કપ મેચમાં સટ્ટો રમવા બદલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ધટનાના આરોપીઓ પાસેથી કેનેડા, સંયુક્ત આરબ અમીરાતના યુરો, પાઉન્ડ, યુએસ ડોલર, હંગેરિયન યુરો, પોલિશ ચલણ અને નેપાળી રૂપિયો પણ વિદેશી ચલણ તરીકે જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ બનાવ અંગે નીલગંગા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 248/24 કલમ 419, 420, 467, 468, 109, 120B IPC, 3/4 જાહેર જુગાર ધારો અને 66D IT એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી.