રજૂઆત નહીં સાંભળતા આખરે કરવો પડ્યો વિરોધ :
છ મહિનાથી પાંજરીગર મહોલ્લામાં ઉભરાતી ગટરની સમસ્યા :
( પ્રતિનિધિ ) વડોદરા તા.10
વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીની વાતો કરતા પાલિકા તંત્રની સ્માર્ટ પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. ફતેપુરા પાંજરીગર મહોલ્લામાં છેલ્લા છ મહિનાથી ઉભરાતી ગટરના પ્રશ્ન આજે મહિલાઓ વિફરી હતી. રજૂઆત ધ્યાને નહીં લેવાતા મહિલાઓએ રોડ ઉપર ખુરશી મૂકી તેની પર બેસી ચક્કાજામ કરતાં પોલીસ દોડતી થઈ હતી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. જો કે ક્યાંકને ક્યાંક આ કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તા પાણી ડ્રેનેજની સમસ્યાથી ત્રસ્ત લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક વોર્ડ કચેરીમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ લોકોની રજૂઆત સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
વડોદરા શહેરના ફતેપુરા પાંજરીગર મહોલ્લામાં છેલ્લા છ મહિનાથી ગટરો ઉભરાઈ રહી છે. મળ મૂત્ર વાળા દૂષિત પાણી ફરી વળતા લોકો નર્કગાર ભર્યું જીવન ગુજારવા મજબૂર બન્યા છે. સ્થાનિક કોર્પોરેટર વોર્ડ કચેરીમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા વિસ્તારની મહિલાઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. મહિલાઓએ માર્ગ ઉપર ખુરશી મૂકી તેની પર બેસી જઈ ચક્કાજામ કર્યું હતું. ટ્રાફિકજામ થતા જ પોલીસે દોડતી થઈ હતી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે શાબ્દિક ટપાટપીના પણ દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક મહિલા શાહીન શેખે જણાવ્યું હતું કે અમારા ફતેપુરા પાંજરીગર મહોલ્લામાં છેલ્લા છ મહિનાથી ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે સમગ્ર ગલીઓમાં દૂષિત પાણી ફરી વળ્યા છે. મળ મૂત્ર વાળા આ પાણીમાંથી અમારે પસાર થવું પડે છે. નાના બાળકોને લઈને અમારે અહીંથી જ નીકળવું પડે છે. મોટા વડીલોને નમાજ પઢવા માટે જવામાં પણ મુશ્કેલી પડે છે. ઘણી વખત તો પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થઈ જાય છે અનેક વખત અમે ફરિયાદ નોંધાવી છે. પણ ખબર નહીં કેવી કામગીરી કરે છે કે, પરિસ્થિતિ પાછી જેવી છે તેવી જ થઈ જાય છે.