આણંદમાં ખાણ માફિયાએ કરેલા ઊંડા ખાડામાં વધુ ચાર જીંદગી હોમાઇ
ખાનપુરમાંથી ન્હાવા ગયેલા ચાર સભ્યના મોતથી પરિવારમાં શોકનો માહોલ …
આણંદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં છેલ્લા દસકા દરમિયાન ખાણ માફિયાઓએ આડેધડ ખોદકામ કરી ઊંડા ખાડા કરી દીધા છે. જેના કારણે વાર તહેવારે ડૂબી જવાના બનાવો વધી રહ્યા છે. હાલમાં જ ખાનપુરમાં મહીસાગર નદીમાં ડૂબી જતાં બેના મોત બાદ ગુરૂવારના રોજ વધુ ચાર વ્યક્તિના ડૂબી જતા મોત નિપજ્યું છે. આ અંગે ખંભોળજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ શહેરના ગામડીમાં રહેતા પરિવારના કેટલાક સભ્ય ગુરૂવારના રોજ નમતી બપોરે ખાનપુર મહીસાગર નદી કિનારે ફરવા ગયાં હતાં. અહીં પરિવારજનો ન્હાવા માટે નદીમાં પડ્યાં હતાં. જોકે, જોત જોતામાં પરિવારના ચાર સભ્ય ઊંડા પાણીમાં ગરકાવ થતાં ભારે હોહા મચી ગઈ હતી. આથી, સ્થાનિક તરવૈયા તાત્કાલિક નદીમાં કૂદી પડ્યાં હતાં અને શોધખોળ હાથ ધરી હતી. બીજી તરફ ફાયર બ્રિગેડને જાણ કરતાં ટીમ પણ રવાના થઇ હતી. જોકે, તે પહેલા સ્થાનિક તરવૈયાઓએ ચાર મૃતદેહ બહાર કાઢ્યાં હતાં. આ ઘટનાથી સાથેના પરિવારજનો સ્તબ્ધ થઇ ગયાં હતાં.
આ બનાવના પગલે ખંભોળજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતકોમાં સુરેશભાઈ ઇશ્વરભાઈ વાઘેલા, પ્રકાશભાઈ બાબુભાઈ વાઘેલા, વૈસુબહેન રાજેશભાઈ સોલંકી અને જ્યોતિબહેન પ્રકાશભાઈ વાઘેલા હોવાની ઓળખ થઇ હતી. આ અંગે ખંભોળજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.