આણંદ પંથકમાં લૂંટારૂ ગેંગનો સળવળાટ : વાઇફાઇ રીપેરીંગના બહાને ઘરમાં ઘુસી ગયેલા યુવકે લૂંટ ચલાવી
ઘરમાં એકલી રહેલી યુવતીના મોંઢામાં રૂમાલથી ડૂચો મારી ચપ્પુ બતાવી રોકડ અને સોનાની ચેઈન ઝુંટવી
(પ્રતિનિધિ) બોરસદ તા.6
બોરસદ શહેરના ટેનામેન્ટ ભાગ-1માં રહેતા પરિવારમાં યુવતી બુધવારના રોજ ઘરે એકલી હતી. તે સમયે વાઇફાઇ રીપેરીંગ માટે એક યુવક ઘરમાં ઘુસી ગયો હતો. બાદમાં તેણે યુવતીના મોંઢામાં રૂમાલથી ડૂચો મારી ચપ્પુ બતાવી સોનાની ચેઇન અને રોકડા 24 લાખ મળી કુલ રૂ.24.50 લાખની સનસનાટીભરી લૂંટ ચલાવતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોરસદના ટેનામેન્ટ ભાગ -1માં રહેતા દીપકભાઈ રતનસિંહ પઢીયાર સંજીવની હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર ધરાવે છે. તેમના પત્ની અને પુત્ર કેનેડા રહે છે. જ્યારે તેમની પુત્રી આર્ચી હાલમાં જ પુનાથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી બોરસદ રહેવા આવી છે. દરમિયાનમાં દીપકભાઈ સવારના દસેક વાગે અમદાવાદ ખાતે તેમના કામ અર્થે જવા નીકળ્યાં હતાં અને આર્ચી ઘરે એકલી હતી. આ સમયે તે વાંચન કરી હતી. આ દરમિયાન બપોરના એકાદ વાગ્યાના સુમારે ડોરબેલ વાગતા આર્ચીએ દરવાજો ખોલ્યો હતો. આ સમયે મોઢે રૂમાલ બાંધી અજાણ્યો યુવક આવ્યો હતો. પોતે વાયફાય ચેક કરવા માટે આવ્યાં હોવાનું જણાવ્યું હતું. જોકે, આર્ચીના ઘરનું વાયફાય આમ પણ બંધ હોવાથી તેણે આ યુવકને ઘરમાં પ્રવેશ આપ્યો હતો. આ શખ્સને પાણી પીવા માટે આપવા બોટલ લેવા માટે ગયાં તે સમયે અંદર આવેલા શખ્સે મોઢામાં તેના હાથમાના વાઇટ રૂમાલથી ડૂચો મારી દીધો હતો અને ચપ્પુ કાઢી ધમકી આપતાં જણાવ્યું હતું કે, તારી ગળામાં પહેરેલ ચેઇન મને આપી દે. જેથી બીકના લીધે ચેઈન આપી દીધી હતી. બાદમાં આ શખ્સ બીજા પૈસા ક્યાં મુકેલા છે ? તે બતાવ જો તું નહીં બતાવે તો હું તને અને તારા પિતાને જાનથી મારી નાંખીશ. તેમ જણાવ્યું હતું. આથી, આર્ચીને આ શખ્સ ઉપરના માળે લઇ ગયો હતો. જ્યાં આ શખ્સે રૂમમાં આવેલી દિવાલવાળી તિજોરીઓ ખોલેલી અને તેમાંથી કાળા કલરની પૈડાવાળી એક બેગ લઇ લીધી હતી. બીજો અન્ય સરસામાન વેર વિખેર કરી નાંખ્યો હતો અને આર્ચીને નીચે લઇ જઇ ત્રણ – ચાર લાફા મારી દીધાં હતાં. આથી ગભરાઇ આર્ચી બેશુદ્ધ થઇ ગઈ હતી. જોકે, થોડા સમય બાદ ભાનમાં આવતા આર્ચીએ તુરંત સુરેન્દ્ર કાકાને જાણ કરતાં તેઓ ઘરે દોડી આવ્યાં હતાં. આ અંગે દીપકભાઈને પણ જાણ કરતાં તેઓ અમદાવાદથી પરત આવ્યાં હતાં. તેઓએ રૂમમાં જઇ તપાસ કરતાં અજાણ્યો શખ્સ બેગ લઇ ગયો હતો. તેમાં રોકડા રૂ.24 લાખ હતાં. આ અંગે બોરસદ શહેર પોલીસ મથકે આર્ચી દીપકભાઈ પઢીયારે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.