અગાઉ વિવિધ મિલ્કતો સીલ કર્યા બાદ આજે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી :
વોર્ડ નંબર 14 ની ટીમે અને દબાણ શાખાએ પોલીસ બંદોબસ્તને સાથે રાખી ઓટલા, પગથિયા સહિતના દબાણો તોડી પાડયા .
વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજકોટ અગ્નિકાંડ ની દુર્ઘટના બાદ ફાયર સેફટી મામલે વિવિધ વિભાગોને સાથે રાખી સરદાર ભુવનના ખાંચામાં 183 જેટલા યુનિટોને સીલ કરવામાં આવ્યા હતા. છઠ્ઠા દિવસે પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ સરદાર ભુવનની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ આજ રોજ પાલિકાના વહીવટી વોર્ડ નંબર 14 ને ટીમ અને દબાણ શાખા ની ટીમ તેમજ પોલીસના બંદોબસ્ત સાથે સરદાર ભુવનના ખાંચામાં રસ્તામાં આવતા ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ નગરપાલિકાઓને ફાયર સેફટી મુદ્દે તપાસ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી જેના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડ દ્વારા પણ સમગ્ર વડોદરા શહેરમાં ઠેર ઠેર વિવિધ એકમોમાં ફાયર એનઓસી ફાયર સેફ્ટી મુદ્દે ચેકિંગ કરી જ્યાં જરૂર જણાય આવે ત્યાં તેવા એકમોને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી.
સરદાર ભુવનના ખાંચામાં પાર્કિંગ બાબતે થયેલી માથાકૂટમાં એક વ્યક્તિનું હોસ્પિટલના બીજાને મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જે બાદ પાલિકાએ સરદાર ભુવનના ખાંચામાં કડક કાર્યવાહી હાથ ધરી આશરે 183 જેટલા એકમોને સીલ કર્યા હતા જેના કારણે વેપારીઓમાં પણ ભારે રોષ ફેલાયો હતો. આ દરમિયાન છઠ્ઠા દિવસે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિતના અધિકારીઓ ટ્રાફિક એસીપીએ સરદાર ભુવનના ખાંચામાં ગતરોજ નિરીક્ષણ કરી પરિસ્થિતીની સમીક્ષા કરી હતી અને અંતે દબાણો દૂર કરવા નિર્ણય લેવાયો હતો.
સરદાર ભુવનના ખાંચામાં ટ્રાફિકની સમસ્યા ઘણા લાંબા સમયથી ઉદ્ભવી છે આ સિવાય નાના-મોટા દબાણો ઊભા થયા છે. આ સિવાય કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો ફાયર બ્રિગેડ પણ ન જઈ શકે તેમ જ આવનારા જનારા વાહન ચાલકોને પણ ઘણી મુશ્કેલી પડી રહી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી પાલિકાની વડી કચેરી ખાતે વિવિધ વિભાગોની મલ્ટી ડિપાર્ટમેન્ટલ મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં અંતે સરદાર ભુવનના ખાંચામાં નાના-મોટા દબાણો દૂર કરવા તેમજ ઓડ ઇવન પદ્ધતિથી પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવા નિર્ણય લેવાયો હતો. જેના ભાગરૂપે આજે પાલિકાના વહીવટી વોર્ડ નંબર 14 ની ટીમ દબાણ શાખાની ટીમ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સરદારભુવનના ખાંચામાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં દુકાનોની બહાર વધારાના કરવામાં આવેલા ઓટલા, પગથિયા સહિતના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથધરવામાં આવી છે.