Editorial

મોદી માટે આગળનો માર્ગ હવે સરળ નહીં હોય

જેની ઘણી પ્રતિક્ષા હતી તે લોકસભા ચૂંટણીના પરિણામોનો દિવસ આવી ગયો. આ લખાઇ રહ્યુ઼ં છે ત્યારે ચિત્ર લગભગ સ્પષ્ટ થઇ ગયું છે કે શાસક ગઠબંધન એનડીએ જ સરકાર બનાવશે. સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં સરકાર બનશે પરંતુ આ વખતે સંકેતો સ્પષ્ટ દેખાઇ રહ્યા છે કે મોદી માટે સરકાર ચલાવવાનું પહેલી બે ટર્મ જેટલું સરળ નહીં હોય. ચૂંટણી પ્રચાર શરૂ થયો ત્યારથી મોદી અને તેમના સાથીદારો ‘અબ કી બાર ૪૦૦ પાર’નો નારો લગાવી રહ્યા હતા અને ભાજપના ઉત્સાહીઓ તો એકલા ભાજપને જ ૩૩૦થી વધુ બેઠકો મળે તેવી ધારણા રાખતા હતા પરંતુ સમગ્ર એનડીએનો આંકડો પણ ૩૦૦ સુધી પણ પહોંચી રહ્યો નથી.

સરકાર બનાવવા માટે જરૂરી બહુમતિ તો એનડીએ ગઠબંધને પ્રાપ્ત કરી લીધી છે પરંતુ સ્પષ્ટપણે આ વખતે ભાજપને એનડીએના તેના સાથીદારોની દયા પર રહેવું પડશે. એનડીએના તેના મોટા સાથીઓ જનતા દળ(યુ) અને તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી) પર આધાર રાખવો પડશે. જેડી(યુ)ના નીતિશ કુમાર અને ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ એ નિવડેલા રાજકારણીઓ છે. નીતિશ અને નાયડુનુ ‘એન’ ફેકટર હવે મોદી માટે ખૂબ મહત્વનું બની રહેશે.

પહેલી બે ટર્મમાં ભાજપને એકલાને જ સ્પષ્ટ બહુમતિ હતી,  તેણે એનડીએના પોતાના સાથીદારોને સાથે રાખીને સરકાર બનાવી હતી પરંતુ ભાજપ માટે અને વડાપ્રધાન મોદી માટે નિર્ણયો લેવાનું ત્યારે સરળ હતું કારણ કે તેમના ગઠબંધન નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના કોઇ સાથી પક્ષો ભાજપ પર કે મોદી પર દબાણ કરી શકવાની સ્થિતિમાં ન હતા. પરંતુ આ વખતે ચિત્ર જુદું છે એનડીએના સાથીદારોની દખલગીરી વધી જશે. તેઓ અનેક બાબતે સરકાર પર દબાણ લાવી શકવાની સ્થિતિમાં છે. બે ટર્મ સુધી પોતાની રીતે સરકાર ચલાવવા માટે ટેવાયેલા મોદી માટે સ્વાભાવિક રીતે આ સ્થિતિ કઠણ હશે.

પહેલી અને બીજી ટર્મમાં અનેક નિર્ણયો મોદીએ પોતાની રીતે લીધા છે. પહેલી ટર્મ વખતે ૨૦૧૬માં મોદીએ નોટબંધી કરી. આઠમી નવેમ્બર ૨૦૧૬ની રાત્રે આઠ વાગ્યે અચાનક રાષ્ટ્રજોગ સંબોધન કરીને વડાપ્રધાન મોદીએ પોતે આ નોટબંધીની જાહેરાત કરી હતી. એકીઝાટકે તે સમયની ચલણી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો ચલણમાંથી રદ કરી નાખવામાં આવી હતી.

આના કારણે દેશભરમાં ખળભળાટ અને બાદમાં ભારે અંધાધૂંધી મચી ગઇ. નોટબંધીનો હેતુ તો સફળ રહ્યો કે નહીં તે ચર્ચા બાજુએ રાખીએ તો પણ ઘણા વિશ્લેષકોએ જેને આપખુદ ગણાવ્યો છે તેવો આ નિર્ણય સામાન્ય જનતાને તો લાંબા સમય સુધી પીડતો રહ્યો. બીજી ટર્મમાં મોદીએ કેટલાક મહત્વના કાર્યો કર્યા. ઓગસ્ટ ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ એકીઝાટકે દૂર કરી નાખી. અલગતાવાદીઓની બૂમાબૂમ થોડા સમય સમય સુધી રહી પરંતુ પછી શાંત થઇ ગઇ.

જો કે હજી પણ કાશ્મીરમાં હિંસક ત્રાસવાદી ઉધામાઓ ચાલુ તો છે જ તે એક કઠોર વાસ્તવિકતા છે. બીજી  ટર્મમાં મોદીએ અનેક વિરોધોને અવગણીને પાડોશી દેશોમાંથી ભારતમાં શરણુ લેવા આવેલા ત્યાંના લઘુમતિ સમુદાયોના લોકોને ભારતની નાગરિકતા આપવા માટેનો નાગરિકતા સુધારા ખરડો(સીએએ) સફળતાપૂર્વક અમલી બનાવ્યો અને આ કાયદા હેઠળ કેટલાક લોકોને ભારતની નાગરિકતા પણ મળી ચુકી છે. અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનાવવામાં સફળતા એ હિન્દુ શ્રદ્ધાળુઓ માટે એક મહત્વની સફળતા હતી. ઘણા હિન્દુઓને આનાથી આત્મગૌરવ પાછુ મળ્યાની લાગણી થઇ.

જો કે ચૂંટણી પરિણામો પરથી લાગે છે કે હિન્દુ સમાજે, ખાસ કરીને જ્યાં અયોધ્યા આવેલું છે તે ઉત્તર પ્રદેશના હિન્દુ સમાજે મંદિર નિર્માણની સફળતાને બહુ મહત્વ નથી આપ્યું. ચૂંટણી પ્રચાર વખતે કોમી ધ્રુવીકરણ કરવાના પણ કેટલાક પ્રયાસો થયા પરંતુ તે પણ નિષ્ફળ નિવડેલા જણાય છે. લોકોમાં અનેક મુદ્દે ભાજપ સામે નારાજગી હતી તે સ્પષ્ટ જણાઇ આવે છે. ખાસ કરીને મોંઘવારી, બેકારી જેવા મુદ્વાઓની ચર્ચાને બદલે ઉશ્કેરણી કરવાના જ પ્રયાસો વારંવાર થતા જોઇને લોકો કંટાળ્યા હતા એમ જણાઇ આવે છે.

હવે ત્રીજી ટર્મમાં મોદીએ આપણે આગળ જોયું તેમ પોતાના ગઠબંધનના સાથીદારો પર આધાર રાખવો પડશે, મોદી એકલે હાથે અને પોતાની મનમાની રીતે નિર્ણયો નહીં લઇ શકે. ત્રીજી ટર્મ માટે સમાન નાગરિક ધારો એ મોદીનું મહત્વનું લક્ષ્ય હતું પરંતુ એનડીએમાંના તેમના સાથીદારો તેમને હવે આમાં આગળ વધવા દે છે કે કેમ? તે એક પ્રશ્ન છે. વળી, જેડી(યુ) અને ટીડીપી જેવા પક્ષો હવે મોદી પર જાતિગત વસ્તી ગણતરી અને મુસ્લિમ અનામત જેવા મુદ્દાઓ પર પણ દબાણ કરી શકે છે, જે બંને બાબતોનો મોદી વિરોધ કરતા આવ્યા છે.

સત્તા ટકાવવા માટે કદાચ મોદીએ આ બાબતમાં થુકેલું ચાટવાની નોબત પણ આવી શકે છે. વળી, વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાને પણ નોંધપાત્ર સારી બેઠકો મળી છે અને તેઓ સંસદમાં સરકારને ભારે ભીંસમાં લેવા પ્રયાસો કરશે. પોતાની સરકાર બનાવવા માટે પણ એનડીએના કેટલાક પક્ષોને ખેંચવાનો સળવળાટ ઇન્ડિયા તરફથી થાય તેવા સંકેતો છે. ટૂંકમાં, સરકાર ચલાવવાની બાબતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આગળનો માર્ગ હવે સરળ નહીં હોય.

Most Popular

To Top