પ્રતિકિલો ફેટનો ભાવ 770 થી વધારી 800 રૂ. કરાયો :
છેલ્લા 10 વર્ષમાં બરોડા ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 40.35 ટકાનો કર્યો વધારો :
( પ્રતિનિધિ ) વડોદરા તા.3
લોકસભાની ચૂંટણીની મતગણતરી પૂર્વે અમૂલ ફેડરેશન બાદ આવે વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ બરોડા ડેરી દ્વારા પણ દૂધમાં પ્રતિ લીટર એ રૂપિયા બેનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા દસ વર્ષમાં બરોડા ડેરીએ દૂધના ખરીદભાવમાં 40.5 ટકાનો વધારો કર્યો છે. જ્યારે તેની સામે વેચાણ ભાવમાં 37.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી પૂર્વે અમૂલ બાદ બરોડા ડેરી દ્વારા પણ દૂધના ભાવમાં પ્રતિ લીટર એ રૂપિયા 2 નો વધારો કરવામાં આવ્યો છે. અમુલ દૂધના વેચાણ ભાવના વધારાની સાથે-સાથે બરોડા ડેરીએ દૂધ ઉત્પાદકોના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 30 નો વધારો કર્યો છે. હાલમાં પ્રતિ કિલો ફેટનો ભાવ રૂપિયા 770 છે તે વધારીને રૂ.800 કરવામાં આવ્યો છે. આમ વેચાણ ભાવમાં 3.12% ના વધારા સામે દૂધ ખરીદીના ભાવમાં 3.90% નો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2015માં અમૂલ ગોલ્ડનો ભાવ રૂપિયા 48 પ્રતિ લીટર હતો. ત્યારે દૂધ ઉત્પાદકો માટેનો ખરીદ ભાવ પ્રતિ કિલો ફેટે 570 હતો. હવે આવતીકાલ મંગળવાર 4 જૂનથી અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લીટર રૂ.66 જ્યારે દૂધ ખરીદ નો ભાવ રૂ.800 કિલો ફેટે થનાર છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં અમુલ ગોલ્ડના વેચાણ ભાવમાં રૂપિયા 18 નો વધારો થયો છે. તેની સામે દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટ એ રૂપિયા 230 નો વધારો કર્યો છે. તે જોતા છેલ્લા દસ વર્ષમાં બરોડા ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 40.35% નો વધારો અને તેની સામે વેચાણ ભાવમાં 37.50% નો વધારો કર્યો છે.