મત ગણતરી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ
કાલે સવારે ૮ કલાકથી પોલીટેકનીક કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવશે*
*તૈયારીઓને આખરી ઓપ અપાયો : જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે સમીક્ષા કરી*
****
વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડીયા વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીની મત ગણતરી તા. ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૮ કલાકથી પોલીટેકનીક કોલેજના કેમ્પસ ખાતે હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મત ગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બીજલ શાહે જણાવ્યું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે જણાવ્યું છે કે, વડોદરા સંસદીય મત વિભાગમાં કુલ સાત વિધાનસભા મત વિભાગનો સમાવેશ થાય છે. લોકસભા બેઠક માટે 9,95,083 પુરૂષ અને 9,54,260 સ્ત્રી અને અન્ય 230 સહિત કુલ 19,49,573 મતદારો નોંધાયા હતા. જે પૈકી 6,38,902 પુરુષ; 5,61,804 મહિલા અને 62 અન્ય સહિત કુલ 12,00,768 મતદારોએ મતદાન કર્યું હતું. પુરૂષ મતદારોના મતદાનની ટકાવારી 64.21, મહિલા મતદારોના મતદાનની ટકાવારી 58.87 અને અન્ય મતદારોના મતદાનની ટકાવારી 26.96 સહિત કુલ 61.59 ટકા મતદાન નોંધાયું હતું.
કાલે સવારના આઠ વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. એ પૂર્વે ઉમેદવારો અને તેના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં નિયમાનુસાર પ્રક્રિયા મુજબ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે. પોસ્ટલ બેલેટ અને ઇવીએમના મતોની એક સાથે ગણતરી કરવામાં આવશે.
કાઉન્ટિંગ હોલની વ્યવસ્થા પર નજર કરીએ તો, વાઘોડીયા વિધાનસભા પેટા ચૂંટણી તથા લોકસભા, વડોદરા શહેર અને સાવલીની બીજા માળે; સયાજીગંજ, અકોટા અને રાવપુરાની પ્રથમ માળે તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર માંજલપુર વિધાનસભા મત વિભાગના મતોની ગણતરી કરવામાં આવશે. કાઉન્ટિંગ હોલમાં પ્રવેશ માટે એજન્ટ અને સ્ટાફ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
એક કાઉન્ટિંગ હોલમાં ૧૪ ટેબલ રાખવામાં આવ્યા છે. વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પણ ૧૪ ટેબલ ગોઠવાયા છે. ૧૯ રાઉન્ડમાં મતગણતરી કરવાનું આયોજન છે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે પણ અલગથી એક હોલમાં ૨૭ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ૧૨૦ જેટલા કર્મીઓ ફરજ બજાવશે. મતગણતરી પ્રક્રિયામાં ૬૨૦થી વધુ કર્મયોગીઓ જોડાશે.
મત ગણતરીના દિવસે પોલીટેકનીકના પ્રત્યેક માળ ઉપર અગ્નિશામક દળના જવાનો ઉપરાંત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત દરેક કાઉન્ટિંગ હોલ ઉપર પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સંચાર વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આમ, વડોદરામાં લોકસભા ચૂંટણીની મત ગણતરી તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. જેની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બીજલ શાહે સમીક્ષા કરી હતી. આ પૂર્વે રવિવારે પોલીટેકનીક કોલેજના કેમ્પસમાં બનાવવામાં આવેલા ઈવીએમ સ્ટ્રોંગરૂમ અને મત ગણતરી કેન્દ્રની ચૂંટણી નિરીક્ષક જી. જગદીશા અને દેબાશીષ કર્માકરે મુલાકાત લીધી હતી.
આ વેળાએ જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક, ડીસીપી જુલી કોઠિયા અને જ્યોતિ પટેલ, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
000
આવતીકાલે 19 રાઉન્ડ બાદ આવશે વડોદરા લોકસભા બેઠકનું આખરી પરિણામ, મતગણતરીનો તૈયારીઓ પૂરી
By
Posted on