સયાજીગંજના બે પોલીસ કર્મી અને પીસીઆર વાનના ડ્રાઇવરે માર માર્યા બાદ રોડ ઢસેડ્યો હતો
ગંભીર ઇજાઓના કારણે છેલ્લા ઘણા દિવસોથી પાણીગેટની હોસ્પિટલમાં જીવણ મરણ વચ્ચે ઝોલા ખાતો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા.1
સયાજીગંજ વિસ્તારમાં મોડી રાત સુધી આમલેટની લારી ચલાવનાર વેપારી યુવકને બે પોલીસ કર્મી અને પીસીઆર વાનના ડ્રાઇવરે ઢોર માર માર્યા બાદ ગાડી સાથે રોડ પર ઢસેડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા યુવકનું મોત નિપજ્યું હતું. હાલમાં ત્રણ આરોપીઓ જેલમાં સજા કાપતા હોય તેમની સામે હત્યાની કલકમનો ઉમેરો કરી દેવામાં આવ્યો છે.
શહેરના સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠામાં રહેતા ફૈઝલ શેખ નામનો યુવક રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર 7 પાસે આમલેટની લારી ચલાવી ધંધો કરતો હતો. દરમિયાન તાજેરમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાન પર ફરજ બજાવતા આઉટ સોર્સિંગના ડ્રાઇવર કિશન પરમાર અને બે પોલીસ કર્મી મોહંમદ મુબશીર મોહંમદ સલીમ અને રઘુવીર ભરતે મોડી રાત્રીના સમયે લારીઓ બંધ કરાવવા માટે ગયા હતા. ત્યારે વેપારી ફૈઝલ શેખ સાથે ઝઘડો કર્યા બાદ તેમના લાકડી વડે ઢોર માર માર્યા બાદ ગાડી સાથે રોડ પર ઢસેડ્યો હતો. જેમાં યુવકને ગંભીર રીતે ઇજો પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલ બાદ ટ્રાઇકલર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સયાજીગંજ પોલીસે પોલીસ કર્મી સહિત ત્રણ જણા સામે હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ કરી ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. દરમિયાન ફૈઝલ શેખને સારવાર માટે ટ્રાઇકલર હોસ્પિટલમાંથી પાણીગેટ વિસ્તારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પથારીવશ રહેલા ફૈઝલ શેખનું હોસ્પિટલમાં 1 જૂનને શનિવારના રોજ મોત થયું હતું. જોક હાલમાં ત્રણ આરોપી સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યા છે. જેથી સયાજીગંજ પોલીસે બે પોલીક કર્મી સહિત ત્રણ આરોપી સામે ઇપીકો 302ની કલમનો ઉમેરા કરાયો છે.