અલકાપુરી વીજ કચેરી ખાતે ગ્રાહકોનો ઉગ્ર વિરોધ :
અરજી આપવા છતાં મીટર નહિ બદલતા હોવાના આક્ષેપ. સ્માર્ટ મીટર તો હવે હદ કરી નાખી છે લોકોના આક્ષેપ છે કે, સ્માર્ટ મીટર એ ચીટર મીટર છે. વડોદરા શહેરમાં થોડા સમય પૂર્વે એક વીજ ગ્રાહકને 9.24 લાખ રૂપિયાનું બિલ બાકી હોવાના કિસ્સાએ ચકચાર જગાવી હતી. જે બાદ આજરોજ જેતલપુર વિસ્તારમાં રહેતા એક ગ્રાહકનું બિલ 13.45 લાખ રૂપિયા બાકી હોવાનો મોબાઈલ પર મેસેજ મળતા એમજીવીસીએલની સ્માર્ટ મીટરની પોલ ઉઘાડી પડી છે.
વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી એમજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા નવા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે આજે પણ યથાવત જોવા મળ્યો હતો. લોકોના વિરોધ બાદ સરકારે હાલ સ્માર્ટ મીટર લગાવવા ઉપર બ્રેક તો મારી દીધી છે. પરંતુ જે લોકોના ઘરોમાં આ સ્માર્ટ મીટર લાગ્યા છે, તેવા લોકોને પડદા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. દર બે ત્રણ દિવસે રિચાર્જ પૂરું થઈ જતું હોવાનું લોકો કહી રહ્યા છે. ત્યારે આજરોજ અકોટાના રણજીત નગર રણાભાઇની ચાલી ઝુલતાપુલ વિસ્તારના રહીશોએ એમજીવીસીએલની અલકાપુરી પેટા વિભાગીય કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે દરરોજ 80 થી 100 રૂપિયાનું રિચાર્જ કરવું પડે છે જે પહેલા 1000ની આસપાસ બિલ આવતું હતું, તેની સરખામણીએ આ સ્માર્ટ મીટરના કારણે બમણું બિલ આવવા લાગ્યું છે. અમે અરજી કરીને થાકી ગયા છે, છતાં પણ અમારા ઘરે લાગેલા સ્માર્ટ મીટર બદલવામાં આવતા નથી અમારી માંગણી છે કે અમને અમારા જુના મીટર પાછા આપો.
વીજ કચેરીએ પહોંચેલા મોરચામાં જેતલપુર વિસ્તારના પણ એક રહીશે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પહેલા અમારું દિલ બે મહિનાનું 2500 થી 3000 રૂપિયા આવતું હતું. હવે તે સ્માર્ટ મીટરના કારણે ત્રણ ગણું વધ્યું છે. મારા ઘરમાં માત્ર બે પંખા છે. એસી નથી અને બોરિંગ કરાવેલું હોવાથી દિવસ દરમિયાન 10 થી 15 મિનિટ જેટલી મોટર ચાલે છે. ત્રણ મહિના રોજ મારા મોબાઈલ ઉપર એમજીવીસીએલ માંથી મેસેજ આવ્યો હતો કે, તમારું સફળતાપૂર્વક પ્રિપેડમાં મીટર કન્વર્ટ થઈ ગયેલ છે, અને 13,45,052.22 લાખ રૂપિયા આઉટ સ્ટેન્ડિંગ બાકી છે. આ મામલે મેં વીજ કચેરી, કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરી છે. પરંતુ બે દિવસમાં થઈ જશે. આજે આ વાતને પણ ઘણા દિવસો થઈ ગયા છે, પણ મારું બેલેન્સ માઇનસમાં થયું નથી. આઉટ સ્ટેન્ડિંગ 13,00,000 થી વધુ બતાવ્યા કરે છે જો એ માઇનસમાં નહીં થાય ત્યાં સુધી હું એક પણ રૂપિયો નહીં ભરું. અત્રે ઉલ્લેખની એ બાબતે છે કે થોડા દિવસો પૂર્વે હાઉસિંગ બોર્ડ ની અંદર આવેલ રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં રહેતા ત્રણ સભ્યોના પરિવારનું બિલ 9,24,254 લાખ રૂપિયાનું આવ્યું હતું. તે વખતે એમડીએ રીડિંગમાં ગરબડ થઈ ગઈ હોવાની કબુલાત પણ કરી હતી અને તપાસ બાદ તેમનું માઇનસ 1 હજારની આસપાસનું આઉટસ્ટેન્ડીંગ બાકી દર્શાવ્યું હતું.