નવી દિલ્હી: વિશ્વના પ્રથમ 3D રોકેટ (The world’s first 3D rocket) અગ્નિબાણને (Agniban) સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આ રોકેટને આંધ્રપ્રદેશના (Andhra Pradesh) શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમજ ચેન્નાઈની ખાનગી સ્પેસ કંપની અગ્નિકુલ કોસ્મોસે આ સબર્બિટલ ટેક્નોલોજીકલ ડેમોનસ્ટ્રેટર (અગ્નિબાણ SOrTeD) રોકેટ તૈયાર કર્યું હતું.
સ્પેસ સ્ટાર્ટઅપ કંપની અગ્નિકુલ કોસમોસે 30 મેના રોજ પોતાનાના પ્રથમ રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ ટેસ્ટ લોન્ચ મંગળવારના રોજ થવાનું હતું, પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર લોન્ચિંગને બે વાર મોકૂફ રાખવામાં આવ્યું હતું. ખાનગી કંપનીઓ અને સ્પેસ ડિપાર્ટમેન્ટ વચ્ચે સેતુનું કામ કરતા ઈન્સ્પેસે કંપની વતી લોન્ચિંગની માહિતી શેર કરતા જણાવ્યું હતું કે ગુરુવારે અગ્નિકુલના રોકેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત ઈસરોએ સોશિયલ મીડિયા દ્વારા પણ આ લોન્ચની માહિતી આપી હતી.
સબર્બિટલ મિશન અગ્નિબાન
લોન્ચની માહિતી આપતા અગ્નિકુલના સહ-સ્થાપક અને સીઈઓ શ્રીનાથ રવિચંદ્રને કહ્યું કે આ એક સબર્બિટલ મિશન છે. જો તે સફળ થાય છે, તો અમે તપાસ કરી શકીશું કે અમારી ઓટોપાયલટ, નેવિગેશન અને માર્ગદર્શન સિસ્ટમો યોગ્ય રીતે કામ કરી રહી છે કે કેમ. અમે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે લોન્ચપેડ માટે અમારે કેવા પ્રકારની તૈયારીઓ કરવી પડશે.
અલગથી તૈયાર કરાયું લોન્ચ પેડ
ઈસરોએ આ પ્રક્ષેપણ માટે અગ્નિકુલને મદદ કરી હતી. આ લોન્ચ માટે ઇસરોએ શ્રીહરિકોટામાં એક નાનું લોન્ચ પેડ બનાવ્યું હતું. જે અન્ય લોન્ચ પેડથી લગભગ 4 કિલોમીટર દૂર હતું. આ લોન્ચ પેડ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. અહીંથી ખાનગી કંપનીઓના વર્ટિકલ ટેકઓફ રોકેટ લોન્ચ કરવામાં આવે છે.
આનંદ મહિન્દ્રાએ આ કંપનીમાં કર્યું રોકાણ
દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ અગ્નિકુલ કોસમોસને ફંડીગ આપ્યું હતું. અગ્નિકુલ એક સ્પેસ સ્ટાર્ટઅપ કંપની છે જે કેટલાક યુવાનોએ સાથે મળીને બનાવી છે. આનંદ મહિન્દ્રાએ આ કંપનીને લગભગ 80.43 કરોડ રૂપિયાનું ફંડિંગ કર્યું છે. આ પ્રોજેક્ટમાં આનંદ મહિન્દ્રા ઉપરાંત પાઈ વેન્ચર્સ, સ્પેશિયલ ઈન્વેસ્ટ અને અર્થ વેન્ચર્સે પણ રોકાણ કર્યું છે.
કંપનીની સ્થાપના ચેન્નાઈમાં થઈ હતી. જેની શરૂઆત શ્રીનાથ રવિચંદ્રન, મોઈન એસપીએમ અને આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર એસઆર ચક્રવર્તી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. તેમના દ્વારા નીર્મિત અગ્નિબાણ 100 કિલોગ્રામ વજનના ઉપગ્રહોને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મૂકવા સક્ષમ છે.