National

PM મોદીએ વારાણસીના પહેલીવાર મત આપનારા મતદારોને લખ્યો પત્ર, કરી ખાસ અપીલ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનું (LokSabha Elections) સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થવા જઈ રહ્યું છે. આજે એટલે કે 30 મેના રોજ ચૂંટણી પ્રચારની છેલ્લી તારીખ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) વારાણસીના (Varanasi) પ્રથમવાર મત આપનારા મતદારોને (Voters) પત્ર લખીને 1 જૂને યોજાનારી લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં મતદાન કરવાની અપીલ કરી છે.

સાતમા તબક્કામાં 8 રાજ્યોની 57 સીટો પર મતદાન થવાનું છે. પીએમ નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. વારાણસીમાં 31,538 પ્રથમ વખત મત આપનારા મતદારો છે. ત્યારે વડાપ્રધાને આ મતદારોનો ઉત્સાહ વધારવા તેમને પત્ર લખ્યો હતો. તેમજ તેમને એક ખાસ અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીનો આ પત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરો વારાણસીના પ્રથમ વખત મતદાન કરનારા મતદારો સુધી પહોંચાડી રહ્યા છે. બીજી બાજુ પીએમ મોદી આજે કન્યાકુમારી જઈ રહ્યા છે જ્યાં તેઓ વિવેકાનંદ રોક પર 45 કલાક ધ્યાન કરશે.

PM મોદીએ પહેલીવાર મત આપનારા મતદારોને પત્ર લખ્યો
પ્રથમ વખત મતદારોને લખેલા પત્રમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, “ભારતના પ્રધાન સેવક અને તમારા સાંસદ તરીકે હું તમને અભિનંદન પાઠવું છું. આજે હું તમને પૂરા ગર્વ અને આત્મવિશ્વાસ સાથે પત્ર લખી રહ્યો છું. તમે પહેલી વાર મતદાન કરશો. 2024ની લોકસભા ચૂંટણી તમારા મતાધિકારનો ઉપયોગ કરવાની તક છે જે રાષ્ટ્ર નિર્માણમાં તમારી ભાગીદારીની સાક્ષી બનશે. આ મતાધિકાર માત્ર શાસનનું એક સ્વરૂપ નથી પણ આપણી સ્વતંત્રતાનો આધાર છે. તમે આ વાતના સાક્ષી છો કે કેવી રીતે છેલ્લા 20 વર્ષમાં વારાણસીએ વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી છે.”

કાશી પ્રદેશના ભાજપના ઓબીસી મોરચાના ઉપાધ્યક્ષ સોમનાથ વિશ્વકર્મા તેમની ટીમ સાથે આ પત્રની નકલોનું વિતરણ કરી રહ્યા છે. જેની માહિતી આપતા વિશ્વકર્માએ કહ્યું હતું કે વડાપ્રધાને પહેલીવાર મતદાન કરનારાઓને અભિનંદન પત્ર મોકલ્યા છે, જેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

PM મોદી વારાણસીમાં ઉમેદવારી નોંધાવી હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 મે (મંગળવાર) ના રોજ વારાણસી લોકસભા બેઠક પરથી તેમનું નામાંકન નોંધાવ્યુ હતું, વારાણસી લોકસભા મતવિસ્તારમાંથી વડાપ્રધાન મોદી ત્રીજી વખત ચૂંટણી લડશે. ત્યારે વડાપ્રધાન સફેદ કુર્તો-પાયજામા અને વાદળી સાદરી પહેરીને 14 મે ના રોજ વહેલી સવારે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. આ પહેલા તેમણે દશાશ્વમેધ ઘાટ પર ગંગાના કિનારે ગંગા આરતી કર્યા બાદ કાલ ભૈરવ મંદિરમાં પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ તેમણે પોતાનું નોમિનેશન નોંધાવ્યુ હતું. નોમિનેશન નોંધાવવા સમયે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, હરદીપ સિંહ પુરી, અનુપ્રિયા પટેલ અને રામદાસ આઠવલે તેમની સાથે હતા.

Most Popular

To Top