Dahod

ડીજેના ટેમ્પોમાં બેઠેલા જાનૈયાઓને કરંટ લાગતા એક મહિલાનુ મોત, છ ગંભીર



ફતેપુરા તાલુકાના પાટી ગામેથી ડી.જે. લઈને જનાર વરની કુટુંબી બહેનને કરંટ લાગતા સ્થળ ઉપર જ મોત ઃ ત્રણ ઇજાગ્રસ્તોને બાસવાડા સારવાર માટે ખસેડાયા


ડી.જે. ને હાઈટેન્શન વીજ લાઈનનો સંપર્ક થતાં ડી.જે. માં કરંટ ઉતરતા મહિલા મોતને ભેટી


દાહોદ : દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજમાં ડી.જે, દારૂ અને દહેજ ઉપર પ્રતિબંધ લાવવા વર્ષોથી સમાજના આગેવાનો સક્રિય છે. દાહોદ.પંચમહાલ તથા મહીસાગર જિલ્લામાં મોટાભાગના સમજદાર લોકોએ ડી.જે, દારૂ અને દહેજ પ્રત્યે સીમા રેખા નક્કી કરી છે. અને નવા ધડવામાં આવેલા રીત રિવાજો મુજબ સામાજિક વ્યવહાર કરી રહ્યા છે. છતાં કેટલાક લોકો સમાજનુ પરિવર્તન ઝંખતા ન હોય અને સમાજ સુધરે તેના માટે રાજી ન હોય તેમ પોતાની મરજી માફક સામાજિક વર્તન કરી રહ્યા છે. તેમાં સમાજમાં નફો તો નહીં પરંતુ નુકસાન થઈ રહ્યા ના દાખલા પણ બની રહ્યા છે. જેમાં મંગળવારના રોજ ફતેપુરા તાલુકાના નવાગામ થી રાજસ્થાનમાં ગયેલા જાનૈયાઓને આનંદપુરી પાસે હાઇવે માર્ગ ઉપર ડી.જે ને ૧૧ કે.વી વીજ વાયર સાથે સંપર્ક થતા ડી.જે. માં બેઠેલા ૭ જેટલા લોકોને વીજ કરંટ લાગતા એક મહિલાનું સ્થળ ઉપર જ મોત નીપજવા પામ્યું હતું. જ્યારે છ લોકોને વીજ કરંટથી દાઝી જતા ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. અને જેઓને હાલ બાસવાડા દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવેલ હોવાનું પણ જાણવા મળે છે.

મંગળવાર ના રોજ ફતેપુરા તાલુકાના નવાગામથી રાજસ્થાનના આનંદપુરી પાસે આવેલા પીપલાઈ ગામે જાનૈયાઓ જાન લઈને ગયેલા હતા. આ જાનમાં ફતેપુરા તાલુકાના પાટી ગામના લાલાભાઇ નાથાભાઈ મહિડાનું ડી.જે. પણ લઈ ગયા હતા. જ્યારે પીપલાઈ ગામે લગ્ન પ્રસંગ પૂર્ણ થતાં ડી.જે. પરત પાટી ગામે આવી રહ્યું હતું. જેથી આ ડી.જે માં સાતેક જેટલા લોકો બેઠા હતા. જે આનંદપુરી પાસે આવતા નવીન બનાવવામાં આવી રહેલ રોડ ઉપર થી પસાર થતા સમયે ડી.જે. ને ૧૧ કે.વીની વીજ લાઈન નો સંપર્ક થતા ડી.જે માં કરંટ ઊતર્યો હતો. ડી.જે. માં સવાર દક્ષાબેન ગૌરવભાઈ મહીડા(ઉંમર વર્ષ. ૩૦)ગૌરવભાઈ લાલસીંગભાઇ મહિડા (ઉંમર વર્ષ ૩૨)બંને રહે.પાટી સામલીબેન માનસિંગભાઈ(ઉંમર વર્ષ ૫૦)રહે. નવાગામ લક્ષ્મીબેન કાળુરામ (ઉંમર વર્ષ ૩૫)ફળવા, રાજસ્થાન ગણપતભાઈ લાલસિંહભાઈ(ઉંમર વર્ષ ૨૮) રહે.સુખસર, આશાબેન રમેશભાઈ (ઉંમર વર્ષ ૩૨) રહે. નવાગામ, કૈલાશબેન પ્રવીણભાઈ(ઉંમર વર્ષ ૨૫) નાઓને વીજ લાઈનનો કરંટ લાગ્યો હતો.

જેમાં ગંભીર ઇજાગ્રસ્ત દક્ષાબેન ગૌરવભાઈ મહિડાનું સ્થળ ઉપરજ કમકમાટી ભર્યું મોત નિપજવા પામેલ હતું. જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને તાત્કાલિક આનંદપુરી સરકારી દવાખાનામાં સારવાર બાદ ત્રણ લોકોને ગંભીર ઇજાઓ હોય વધુ સારવાર માટે બાસવાડા ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જે જગ્યાએ ડી.જે. ને હાઈટેન્શન વીજ વાયર સાથે સંપર્ક થયો તે જગ્યાએ નવીન રોડ બનાવવામાં આવી રહ્યો છે. તેમજ રોડમાં માટી પુરાણ વધુ હોય તેમજ વીજ વાયર ઝૂલતા હોય તે સાથે મીની ટ્રકમાં ડી.જે ની ઊંચાઈ વધુ હોય આ વીજ કરંટ લાગ્યો હોવાની ચર્ચા સાંભળવા મળે છે. ત્યારે રોડ ખાતું, વીજ ખાતું તેમજ ડી.જે. ચાલક ત્રણેયની બેદરકારીથી આ ઘટના ઘટવા પામી હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે.

Most Popular

To Top