Charotar

આણંદમાં માતાએ પુત્રનો શ્વાસ રુંધી હત્યા કરી હતી

પતિએ તેની મૃતક પત્ની સામે હત્યાની ફરિયાદ આપી

આણંદમાં મહારાષ્ટ્રીય પરિવારમાં માતાએ આત્મહત્યા કરતા પહેલા પુત્રની હત્યા કરી

(પ્રતિનિધિ) આણંદ તા.29

આણંદના ગામડી ગામની જૈતુન પાર્ક સોસાયટીમાં મંગળવારના રોજ માતા – પુત્રના મોતને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં માતાએ જ આત્મહત્યા પહેલા પુત્રનું કોઇ વસ્તુથી નાક પર દબાવી શ્વાસ રૂંધી હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. જે અંગે પોલીસે માતા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લાના બીબી ગામમાં રહેતા અંસાર લતીફ શેખ છેલ્લા કેટલાક વરસોથી આણંદના ગામડી ગામમાં આવેલી જૈતુન પાર્ક સોસાયટીમાં રહે છે. અંસાર ખાનગી કંપનીમાં એગ્રો પ્રોડક્ટનું માર્કેટીંગનું કામ કરે છે. અમને 2015ના વર્ષમાં મહારાષ્ટ્રના કાટોલ જિલ્લાના સાવલી ગામમાં રહેતા કવિતા સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. આ લગ્ન બાદ કવિતાએ નામ બદલી અનમ નામ રાખ્યું હતું. આ લગ્ન જીવનમાં તેમને એક પુત્ર અજાન (ઉ.વ.8)નો જન્મ પણ થયો હતો. દરમિયાનમાં 26મી મે,2024ના સાંજના સાડા આઠેક વાગે અંસાર નોકરીના કામથી અજમેર ગયો હતો અને ઘરે અનમ અને અજાન એકલા જ હતાં. અંસાર 28મી સવારના ઘરે પહોંચી ડોરબેલ વગાડી હતી. પરંતુ દરવાજો ખોલ્યો નહતો. આથી, ફોન કર્યો હતો. પરંતુ ફોન પણ ઉપાડ્યો નહતો અને દરવાજો પણ ખોલેલો નહીં. જેથી અંસારે જોરથી દરવાજો ખેંચતા અંદરથી દોરીથી બાંધેલી હતી. તે તુટી જતાં દરવાજો ખુલ્લી ગયો હતો. અંસારે ઘરમાં દ્રશ્ય જોઈ ચોંકી ગયો હતો. પત્ની અનમ અંદરના બેડરૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં હતી. જ્યારે પુત્ર અજાન પલંગ પર બેભાન હાલતમાં પડેલો હતો.

આ અંગે તુરંત 108ને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી. પરંતુ ડોક્ટરે માતા – પુત્રને મૃત જાહેર કર્યાં હતાં. આ બાબતે શહેર પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને માતા – પુત્રના મૃતદેહનો કબજો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં અનમ (ઉ.વ.37)એ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જ્યારે પુત્ર અજાનના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં કોઇ પણ વસ્તુથી નાક ઉપર દબાવી શ્વાસ રૂંધાઇ જાય તે રીતે હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. જે અનમે જ કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. આ અંગે શહેર પોલીસે અંસાર શેખની ફરિયાદ આધારે અનમ શેખ સામે પુત્રની હત્યા કરવા સબબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top